નર્મદા: શાળા-કોલેજોમાં ઉનાળું વેકેશન શરૂ થતા જ લોકો વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત લેવા ઉમટી પડતા હોય છે. ત્યારે આ વખતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
શનિવાર અને રવિવાર હોવાથી આ બે દિવસમાં જ 50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યાં હતા. બધી ટિકિટોનું બુકીંગ ફૂલ થઈ ગયું હતું.
નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમા જ્યાં આવેલી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારે પ્રવાસીઓના આકર્ષણ માટે દર વર્ષે નવા પ્રોજેક્ટ મૂકે છે જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના પ્રોજેક્ટની છે.
રવિવારે ૪૦ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન હોવા છતાં પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પહોંચ્યા હતા. જોકે પ્રવાસીઓને ગરમીનો સામનો ન કરવો પડે તે માટે શેડ બનાવાયા છે. પીવાના ઠંડા પાણીની તથા અન્ય ટ્રાન્સપોર્ટની સારી સુવિધાઓ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા હજુ વધે તેવી શક્યતા છે.