મેસેજિંગ એપ WhatsAppએ 22 લાખથી વધુ ભારતીય એકાઉન્ટને પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. આ ડેટા 1 જૂનથી 30 જૂન સુધીનો છે. જો ગયા મહિનાના આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો કંપનીએ મે મહિનામાં 19 લાખ એકાઉન્ટ, એપ્રિલ મહિનામાં 16 લાખ અને માર્ચ મહિનામાં લગભગ 18.05 લાખ એકાઉન્ટ્સ બૅન કર્યા હતા.
શા માટે આ એકાઉન્ટ બૅન થયા
IT નિયમ 2021 અંતર્ગત કંપનીએ તેનો માસિક રિપોર્ટ જાહેર કરવો પડે છે. આ રિપોર્ટમાં કંપનીને કેટલી ફરિયાદો આવી અને તેમાંથી કેટલી પર કાર્યવાહી કરવામાં આવી તે જણાવવાનું હોય છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, “WhatsApp પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓનો દુરુપયોગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કંપનીએ તેના પ્લેટફોર્મ પર યુઝર્સને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક ટેકનોલોજી, ડેટા સાયન્ટિસ્ટમાં સતત રોકાણ કર્યું છે.” તેના માસિક રિપોર્ટમાં, કંપનીએ કહ્યું છે કે WhatsAppને 426 અપીલ મળી હતી અને તેમાંથી 64 એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી છે.
આ કારણોથી થઈ શકે છે WhatsApp બૅન
WhatsAppનું કહેવું છે કે યુઝર્સે એવા લોકોને મેસેજ ન કરવા જોઈએ જે તેમને મેસેજ ન કરવાની ચેતવણી આપે છે. જો કોઈ વ્યક્તિ ચેતવણી આપ્યા પછી પણ આવું કરવાનું ચાલુ રાખે છે, તો કંપની તેને બૅન કરી દેશે.
જો તમે WhatsAppનો ઉપયોગ કરીને બલ્ક મેસેજ, ઓટોમેટેડ મેસેજ અથવા ઓટો ડાયલ કરો છો, તો તે તમને પ્રતિબંધિત કરાવી શકે છે. તમને જણાવી દઈએ કે WhatsApp અનિચ્છનીય સ્વચાલિત સંદેશાઓ મોકલતા એકાઉન્ટ્સને શોધવા અને પ્રતિબંધિત કરવા માટે મશીન લર્નિંગ ટેક્નોલોજી અને યુઝર રિપોર્ટ્સ બંનેનો ઉપયોગ કરે છે.
કોઈની સંમતિ વિના, તેનો નંબર શેર કરવો અથવા કોઈપણ ડેટાનો ઉપયોગ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈની પણ પરવાનગી વિના કોઈને પણ ગ્રુપમાં એડ કરવા જોઈએ નહીં.
જો તમે કોઈને અશ્લીલ વીડિયો કે મેસેજ મોકલો છો, તો તમારું એકાઉન્ટ બૅન થઈ જશે એટલું જ નહીં પરંતુ તમારે જેલના સળિયા ગણવાની પણ નોબત આવી શકે છે.