મોરબી: રાજ્યમાં આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના મોરબીમાં સામે આવી છે, જ્યાં એક યુવાને પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી અગ્નિસ્નાન કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીની બોયઝ હાઇસ્કુલના પાસે ગતરોજ સાંજના સમયે યુવાને શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટ્યા બાદ પોતાને આગ ચાંપી દીધી હતી. ગંભીરપણે દાઝી જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. જવતશીલ પ્રવાહી છાંટીને અગ્ન પછેડી ઓઢી લેતા યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું.
મોરબીના વજેપરામાં રહેતા જગદીશભાઈ પરમારના 20 વર્ષીય પુત્ર લાલજી પરમાર ઘરેથી નીકળ્યા બાદ ગુમ હતો. પરિવારે તેની શોધખોળ પણ હાથ ધરી હતી. દરમિયાન યુવાને તેના મામાને ફોન કરીને કહ્યું હતું કે, સદ્ભાવના હોસ્પિટલ નજીક બોયઝ હાઈસ્કૂલ પાસે પોતાને લેવા માટે આવવા જણાવ્યું. જોકે, પરિવાર તેને લેવા આવે તે પહેલા જ તેણે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી પોતાની જાતને આગને હવાલે કરી દીધો હતો.
ગંભીરરૂપથી દાઝી જવાના કારણે 20 વર્ષીય યુવાનનું મૃત્યુ થતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.