રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના પગલે ઠંડક પ્રસરતા રાજ્યની જનતાને બફારા અને ગરમીથી આંશિક રાહત મળી છે. રાજ્યના દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તોરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સાડા આઠ ઈંચ વરસાદથી વલસાડ જિલ્લાનું ઉમરગામ પાણી પાણી થઈ ગયું છે.
ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. તાલુકાના ભિલાડ અંડરપાસમાં પાણી ભરાયા છે. પાણી ભરવાના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. આજે સવારે બે કલાકના ગાળામાં જ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે ઉમરગામના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉમરગામ તાલુકાના ઊંડી ગઢેર, માછીવાડ, વોર્ડ નંબર 4, એસએમવી રોડ જેવા અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે.
ભારે વરસાદથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ વરસ્યો હતો. વલસાડ ઉપરાંત વાપીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તો કપરાડામાં 1.4 ઈંચ, ધરમપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે.