ગુજરાતમાં સૌ કોઇ મેઘરાજાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, આજે તેનો અંત આવી ગયો છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ તેની આગળ વધવાની ઝડપ વધી ગઇ હોય તેમ લાગે છે. આજથી જ રાજ્યમાં જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો. આજે એકાએકા રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલીક જગ્યાએ છાંટા રૂપે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો.
લખતર તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લખતર તાલુકા મથકમાં અતિશય પવન ફૂંકાયો હતો, પવન ફૂંકાવા સાથે ધૂળની ડમરીઓ ઉડતા લોકો હેરાન થયા હતા.
લખતર તાલુકા મથકથી દક્ષિણ દિશા તરફ આવેલ ગામડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. છેલ્લા ઘણા સમયથી લખતર તાલુકામાં અતિશય ગરમી અને ઉકળાટ વધ્યો હતો ત્યારે અચાનક વરસેલ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાં રાહત મળી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક બે દિવસમાં પ્રિમોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગે 8થી 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં પલટાના કારણે ચાર દિવસ સુધી સરેરાશ મહત્તમ તાપમાનમાંમાં ઘટાડો નોંધાઈ શકે છે.