ભારતમાં મંકીપોક્સ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દક્ષિણના રાજ્ય કેરળમાં વધુ એક નવો કેસ સામે આવ્યા બાદ સરકારની ચિંતા વધી ગઈ છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, મલપ્પુરમના 30 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે, સંક્રમિત યુવક 27 જુલાઈના રોજ કાલીકટ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને તેનામાં મંકીપોક્સના લક્ષણો જણાયા બાદ તેને આઈસોલેટ કરી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, દર્દીની તબિયત હાલ સ્થિર છે. તેના માતાપિતા સહિત તેના નજીકના સંપર્કમાં રહેલા લોકો પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં મંકીપોક્સનો આ પાંચમો કેસ છે.
શનિવારે ભારતમાં મંકીપોક્સથી થયું હતું પ્રથમ મૃત્યુ
વાસ્તવમાં, શનિવારે કેરળના ત્રિશૂરમાં એક 22 વર્ષના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મૃતકમાં મંકીપોક્સના લક્ષણ જોવા મળ્યા હતા અને તે તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાતની મુસાફરી કરીને ભારત પરત ફર્યો હતો. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)માં જ યુવકનો રિપોર્ટ મંકીપોક્સ પોઝિટિવ આવ્યો હતો. જો કે, કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, યુવકના મૃત્યુના કારણની તપાસ કરવામાં આવશે. તેના સેમ્પલનો રિપોર્ટ હજુ આવ્યો નથી. તેમણે કહ્યું કે, દર્દી યુવાન હતો અને તેને કોઈ રોગ કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ નહોતી.
આ છે મંકીપોક્સના લક્ષણો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, મંકીપોક્સના લક્ષણો 6 થી 13 દિવસમાં દેખાવા લાગે છે. જોકે, કેટલીકવાર તેમાં 5થી 21 દિવસનો સમય લાગી શકે છે. સંક્રમિત થયાના 5 દિવસમાં તાવ, માથાનો દુખાવો, થાક અને પીઠનો દુખાવો જેવા લક્ષણો દેખાય છે. તાવના ત્રણ દિવસમાં ત્વચા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે. મંકીપોક્સ ભલે કોરોનાની જેમ ફેલાઈ રહ્યો હોય પરંતુ તે કોવિડ જેટલો જીવલેણ નથી.