સુરત: સુરત જિલ્લાના કામરેજના કઠોર ગામે આવેલી એક જ્વેલર્સની દુકાનમાં લાખોની ચોરી થઈ હતી. રાત્રિના સમયે ધાબા પરથી ચઢીને દુકાનમાં પ્રવેશેલા તસ્કરોએ ચોરી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ મળી લાખોની ચોરી કરતા ખળભળાટ મચ્યો હતો.
જોકે, કામરેજ પોલીસની સતર્કતાને લઈ ગણતરીના કલાકોમાં જ સમગ્ર ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો અને પોલીસે ચોરીનો 100 ટકા માલ રીકવર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, કામરેજના કઠોર ગામે તસ્કરોએ એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી હતી, સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 80 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે, દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ ગઈ હતી.
ભર બજારમાં આવેલી દુકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસ કામે લાગી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ચોરીનો 100 ટકા મુદ્દામાલ રીકવર કર્યો હતો. જ્વેલર્સના માલિકે કામરેજ પોલીસની કામગીરીને બિરદાવી હતી.