રાજ્યમાં સિઝનનો 70 ટકા વરસાદ પડ્યો છે. હજુ તો શ્રાવણ મહિનો શરૂ થયો છે ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઓગસ્ટ મહિનામાં જ્યાં વરસશે ત્યાં વરસશે, બાકી બધી જગ્યાએ ધીમી ધારે વરસાદ આવશે. ત્યારે ગુજરાતમાં આજે નર્મદા, અરવલ્લી, તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ 10 દિવસના વિરામ બાદ નર્મદા જિલ્લામાં ફરી વરસાદ પડ્યો હતો. બુધવારે મોડી રાતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. આ સિવાય અરવલ્લીના ધનસુરા, માલપુર મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.
અતિવૃષ્ટિથી પાકને થયું નુકસાન
નોંધનીય છે કે ભારે વરસાદને કારણે ગુજરાતના 4000 ગામોમાં પાકને નુકસાન થયું હતું. રાજ્યમાં અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે કૃષિ વિભાગે 8 જિલ્લામાં સરવેની કામગીરી હાથ ધરી હતી. હજુ પણ કચ્છ જિલ્લામાં આ કામગીરી ચાલી રહી છે. જણાવી દઈએ કે બુધવારે સાંજે કૃષિમંત્રીએ સરવે બાબતે રિવ્યુ બેઠક પણ યોજી હતી. 9 જિલ્લાના કલેક્ટર આ અંગે રિપોર્ટ સોંપશે ત્યારબાદ રાહત પેકેજની જાહેરાત થશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય કેન્દ્રશાષિત પ્રદેશ દમણ, દાદરનગર હવેલી અને દિવ તથા સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આગામી 4 દિવસ રાજ્યના 21 જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ફક્ત હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે હવામાન વિભાગે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના નહિવત હોવાની આગાહી કરી છે.
રાજ્યમાં નોંધાયો 70% વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સિઝનનો સૌથી વધુ 118 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 83 ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 62 ટકા અને સૌરાષ્ટ્રમાં પણ સિઝનનો 62 ટકા વરસાદ નોંધાયો છે. સિવાય ઉત્તર ગુજરાતમાં પણ સિઝનનો 57 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના જળાશયો થયા પાણી-પાણી
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 55.49% પાણી ભરાયાં છે, અને કચ્છના 20 જળાશયોમાં 70.34% પાણી ભરાયાં છે. જયારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26% પાણી, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.38% પાણી, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 79.93% પાણી ભરાયાં છે.