મહેસાણા: મહેસાણાની પ્રખ્યાત ડેરી દૂધસાગર ડેરી હવે દૂધ તેમજ દૂધના અન્ય ઉત્પાદનોની સાથે સાથે શાકભાજી પણ બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે. ડેરી દ્વારા હવે ઓર્ગેનિક શાકભાજીનું પણ વેચાણ કરવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માટે દૂધસાગર ડેરી મોટા પ્રમાણમાં ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટથી પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કરાવશે અને ખેડૂતો પાસેથી તે ખરીદશે. ત્યારબાદ અમૂલ બ્રાન્ડ સાથે આ શાકભાજી પણ બજારમાં વેચાણ માટે મૂકશે, આ શાકભાજી ડેરી ફ્રેશના નામથી વેચાશે.
મળતી માહિતી મુજબ, મહેસાણાની દૂધસાગર ડેરી અમૂલ બ્રાન્ડ સાથે શાકભાજીનું વેચાણ કરશે. ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. આગામી સમયમાં મિલ્ક સિટી તરીકે ઓળખાતા મહેસાણામાં દૂધ સાગર ડેરી ખેડૂતો પાસે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરાવશે અને તેમની પાસે ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરાવશે અને આ ઓર્ગેનિક શાકભાજી ડેરી ખરીદીને બજારમાં મૂકશે.
જેથી લોકોને પણ ઓર્ગેનિક શાકભાજી મળી શકે. ડેરી દ્વારા અમૂલ બ્રાન્ડિંગ સાથે “ડેરી ફ્રેશ” નામની બ્રાન્ડ સાથે શાકભાજી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે અમુલનું ડેલિગેશન છેલ્લા ત્રણ માસથી દૂધ સાગર ડેરીની મુલાકાત લઈ રહ્યું છે અને ખેડૂતો કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરીને આવક બમણી કરી શકે તેના માટે ડેરીના ચેરમેન, અધિકારીઓ અને ખેડૂતો સાથે પરામર્શ કરી રહ્યું છે.