મહેસાણામાં બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ભાજપના એક નગરસેવકની ડમ્પિંગ સાઈટની બાજુમાં 20થી 25 વીઘા જમીન આવેલી છે અને તેના ભાવ ઉંચકાય તે માટે દીવાલ બનાવવાનું નક્કી કરાયું હોવાનો મેસેજ ફરતો થયો હતો.
આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થતા મહેસાણા નગરપાલિકામાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો અને નગરપાલિકાની બેઠકમાં મુદ્દો ચર્ચાયો હતો. આ મામલે ભાજપના શાસક પક્ષના નેતા નગરસેવક કિર્તીભાઇ પટેલે કહ્યું, દીવાલ બનાવવા મેં કોઈ રજૂઆત કરી નથી.
મળતી માહિતી મુજબ, મહેસાણા નગરપાલિકા દ્વારા શોભાસણ રોડ પર જ્યાં કચરાનો નિકાલ કરવામાં આવે છે તે ડમ્પિંગ સાઇટ પર રૂ.3.39 કરોડના ખર્ચે ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી ટોયલેટ બ્લોક, સીસી રોડ, સિક્યુરિટી કેબિન બનાવવા નિર્ણય લેવાયો છે.
આ કામ ડમ્પિંગ સાઇટ પર કચરા નિકાલની વ્યવસ્થા શરૂ થાય તેની સાથે જ શરૂ કરી દેવા ગત કારોબારી સભામાં નક્કી કરાયું હતું. દરમિયાન, એક નગરસેવકની ડમ્પિંગ સાઇટ નજીક જગ્યા આવેલી હોવાથી તેના ભાવ ઉંચકાય એટલા માટે કચરાની ડમ્પિંગ સાઇટ પર કમ્પાઉન્ડ વોલ બનાવવાનો કારસો રચાયો હોવા અંગેનો મેસેજ સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. જે બાદ આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.
આ મામલે નગરસેવક કિર્તીભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું, તેમણે જણાવ્યું કે, કાઉન્સિલર તરીકે આ દીવાલ બનાવવા ક્યારેય રજૂઆત કરી નથી. અમારી જગ્યા પણ ડમ્પિંગ સાઇટથી 500 મીટર દૂર છે. જેથી દીવાલ સરકારની ગાઇડ લાઇન અને જરૂરિયાત હોય તો જ બનાવવી, અન્યથા આ કામગીરી ન થાય તો એ બાબતે અમારી કોઇ અંગત રજૂઆત નથી. બીજીબાજુ સુત્રો દ્વારા વર્ષ 2017માં જ દીવાલનો પ્રોજેક્ટ તૈયાર કરાયો હોવાનું જાણવા મળ્યું છે.