સોમવારે મધરાતે કડી-છત્રાલ હાઇવે પર આવેલી વાત્સલ્ય સોસાયટીમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી હતી, જેમાં જુદા જુદા ત્રણ ચાર મકાનમાંથી બે જોડી કપડાં અને એકલા રહેતા વૃદ્ધાના ઘરેથી રોકડ રકમ, દાગીના સહિત મોબાઈલ જેવી ચીજવસ્તુઓની ચોરી ગયા હતા. કડી પોલીસે અંબાબેન પટેલની અરજીના આધારે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કડી શહેરમાં સોમવારે મધરાત્રે છત્રાલ હાઇવે પરની વાત્સલ્ય સીટી સોસાયટીમાં ચોરી થતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લાના બહુચરાજી પંથક બાદ ચડ્ડી બનીયાન ગેંગે કડી શહેરને પોતાનો ટાર્ગેટ બનાવતા એકલ દોકલ રહેતા વૃધ્ધોમાં ભયનો માહોલ પેદા થયો છે.
ચડ્ડી બનીયાન ધારી ગેંગે વાત્સલ્ય સીટી સોસાયટીમાં બે થી ત્રણ મકાનને પોતાનો ટાર્ગેટ બનાવ્યા હતા જેમાં એક મકાનમાંથી બે જોડી કપડા તેમજ તેની બાજુના ઘરમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરને નિશાન બનાવ્યું હતું, જ્યાંથી રોકડ રકમ તેમજ દાગીના સહિતની ચીજ વસ્તુઓ ચોરી કરી હતી.
તબિયત ખરાબ હોવાથી વૃદ્ધા રાત્રે પડોસીના ઘરે સુતા હતા, જ્યારે સવારે પરત ફર્યા તો ઘરનું લોક તૂટેલું જોતા પડોશીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસ સ્ટેશને કરાતા પોલીસે સોસાયટીના CCTV ચેક કરતા ચડ્ડી બનીયાનધારી ગેંગ કેમેરામાં કેદ થયી ગઈ હતી. કડી પોલીસે વૃદ્ધાની અરજીને આધારે જાણવાજોગ નોંધી તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.