હાલ ચોમાસું બેસી ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મેઘમહેર વરસાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ અને પંચમહાલના જાંબુઘોડામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. તો અમદાવાદમાં પણ લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ગઈકાલે સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
અમદાવાદના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું, એવામાં બફારો વધતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. ગઈકાલે સાંજે ભારે બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને પગલે દાળવડાની લારીઓ પર અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળી હતી.
શહેરમાં ભારે પવન સાથે વરસાદના પગલે માત્ર 30 મિનિટમાં 15થી વધુ ઝાડ ધરાશાયી થયા હતા. અમદાવાદ ફાયરબ્રિગેડને અલગ-અલગ વિસ્તારમાંથી ઝાડ પડવાના કોલ મળ્યા હતા.
તોફાની પવન સાથે વરસાદને પગલે શહેરમાં ઘણી જગ્યાએ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત ક્યાંક પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી
હવામાન વિભાગની વરસાદની આગાહી
આગામી 5 જુલાઇ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળીયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.