બનાસકાંઠા જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેમાં દિયોદરમાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે ડીસામાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગતરોજ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અમીરગઢ અને ડીસામાં પણ 5- 5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે બનાસકાંઠા જિલ્લામાં અષાઢી બીજના દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી, ભારે વરસાદના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે કારણ કે ગત ચોમાસામાં જોઈએ તેવો વરસાદ થયો ન હતો જેના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટ થાય તેવા એધાણ સર્જાઈ રહ્યા હતા પરંતુ ગતરોજ શરૂ થયેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન પણ થવા પામ્યું છે. ત્યારે વાત કરવામાં આવે ડીસાની તો ડીસામાં ગત મોડી રાત્રે પડેલા 5 ઈંચ જેટલા ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ ડીસામાં આવેલા બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં ભારે વરસાદના કારણે બે કાચા પતરાવાળા મકાન ધરાશાયી થયા હતા. જોકે મોડી રાત્રે મકાન ધરાશાયી થતા મોટી જાનહાની ટળી હતી.
દિયોદરમાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં, જેથી વાહનચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.