પાસવર્ડ ચોરી કરીને એક વ્યક્તિએ $25 મિલિયન (લગભગ 198.41 કરોડ રૂપિયા) કમાવ્યા છે. આ મામલો અમેરિકાના કેલિફોર્નિયાનો છે, જ્યાં અર્ગીષ્ટી ખુદાવર્દ્યાનને પાસવર્ડ ચોરીથી લાખો ડોલર કમાવવા માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. 44 વર્ષીય અર્ગીષ્ટી ખુદાવર્દ્યાને T-Mobileની સિસ્ટમ હેક કરીને યુઝર્સના ફોન અનલોક કર્યા અને તેના બદલામાં પૈસા લીધા.
ખરેખર, અમેરિકન માર્કેટમાં ઘણા સ્માર્ટફોન મોબાઇલ કેરિયર લોક સાથે આવે છે. એટલે કે આ સ્માર્ટફોનમાં તમે બીજી કંપનીના સિમ કાર્ડનો ઉપયોગ ન કરી શકો. T-Mobile નામની કંપની આવા અનેક ડિવાઇસ વેચે છે.
જાતે જ વેચતો હતો T-Mobile ના ફોન
દોષિત મળી આવેલો વ્યક્તિ પોતે T-Mobile ના સ્ટોર માલિક છે. તેનો સ્ટોર લોસ એન્જલસના ઇગલ રોક વિસ્તારમાં છે. માહિતી અનુસાર તો આ વ્યક્તિએ યુઝર્સના ફોન અનધિકૃત રીતે અનલોક કર્યા છે, જેથી તેઓ તેમના ફોનમાં અન્ય કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કરી શકે.
આ રીતે, વ્યક્તિએ લગભગ 2.5 કરોડ ડોલરની કમાણી કરી છે. ખુદાવર્દ્યાન એવા ગ્રાહકોના ફોન અનલૉક કરતો હતો જેમના લૉક કૅરિયર T-Mobile હતા.
આ રીતે ચોરી કરતો હતો પાસવર્ડ
આ માટે તે કંપનીના કર્મચારીઓને ફિશિંગ ઈમેલ મોકલતો હતો, જેનાથી તેને કંપનીની ઈન્ટરનલ સિસ્ટમનો એક્સેસ મળી જતો હતો. ખુદાવર્દ્યાન ફિશિંગ ઈમેલમાં ફસાતા યુઝર્સના ક્રેડેન્શિયલ્સ ચોરી કરીને બીજા યુઝર્સના ફોન અનલોક કરતો હતો.
રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિએ લાખો ફોન અનલોક કર્યા છે. તેનો Apple iPhone પણ અનલોક કર્યો છે. દોષિતે 2014 થી 2019 સુધી આ ફોન અનલોક કર્યા હતા. આ ફોનની યાદીમાં ચોરાયેલા અને ખોવાયેલા ડિવાઇસ પણ સામેલ છે.
પ્રચાર કરીને લોકોને બોલાવતો હતો
ખુદાવર્દ્યાને તેની સ્કીમનો પ્રચાર પણ કર્યો હતો. આ માટે તેણે બ્રોકર્સ, ઈમેલ અને વેબસાઈટનો પણ સહારો લીધો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ ફોનને અનલોક કરવા માટે તેણે 50થી વધુ કર્મચારીઓના પાસવર્ડ ચોરી લીધા હતા. ખુદાવર્દ્યાને આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે અને કોર્ટ તેને 17 ઓક્ટોબરે સજા સંભળાવશે.