જૂનાગઢમાં આદમખોર દીપડાના હુમલાને પગલે હાહાકાર મચી ગયો છે. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં હાલ દીપડાને કારણે ફફડાટ ખૂબ જ વધી ગયો છે, છેલ્લા બે દિવસની અંદર આ દીપડાના હુમલાની બે ઘટના સામે આવી છે. જેમાં ભેંસાણ તાલુકાના રફાળિયા ગામે માનવભક્ષી દીપડાએ આધેડ પર હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેના કારણે દીપડો ભાગી છુટ્યો હતો.
મળતી માહિતી મુજબ, જૂનાગઢના ભેસાણ તાલુકાના રફાળિયા ગામના આંબાભાઈ ખૂટ પોતાની વાડીમાં બાજરો વાઢી રહ્યા હતા. ત્યારે અચાનક તેમના પર દીપડાએ હુમલો કર્યો હતો. ત્યારે ખેતરમાં તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના ખેતરમાંથી લોકો દોડી આવ્યા હતા. જે બાદ માનવભક્ષી દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો.
દીપડા દ્વારા હુમલો કરાતા આંબાભાઈને માથાના ભાગમાં અને ખંભાના ભાગમાં ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક ભેંસાણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.