પાંચ દિવસીય દિવાળીના તહેવારને લઈને ઠેર-ઠેર તૈયારીઓ ચાલી રહી છે. રોશની અને શીઓખુના આ તહેવારને લઈને દરેક લોકો ઉત્સાહિત છે. દિવાળી 4 નવેમ્બરે છે. દિવાળી એ ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે માં લક્ષ્મી અને ગણેશજીની પૂજાનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી સાથે વનવાસ પૂરો કરીને પાછા ફર્યા હતા. તેથી દિવાળીના દિવસે ભગવાનના સ્વાગતમાં દીવા પ્રગટાવવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે, આ અવસર પર રિદ્ધિ સિદ્ધિના દાતા ગણેશજી અને સુખ-સમૃદ્ધિ આપનાર માં લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં દિવાળીમાં ગણેશજી અને માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. દરેક પૂજા પ્રસાદ વગર અધૂરી છે. ભગવાનને પ્રસાદમાં તેમની પ્રિય વાનગીઓ અર્પણ કરવી જોઈએ. આ દિવાળીએ ગણેશજીની મનપસંદ મીઠાઈઓ અને માતા લક્ષ્મીનો પ્રિય ભોગ ઘરે જ બનાવો. તમે ગણેશજીને તેમના પ્રિય મોતીચૂરના લાડુ બનાવીને ધરાવી શકો છો, તો ફટાફટ નોંધી લો રેસીપી…
સામગ્રી
2 કપ બેસન
3 કપ ઘી
2 ચપટી સોડા
1/2 ટી સ્પૂન ઈલાયચી પાઉડર
બારીક સમારેલી બદામ અને પીસ્તા
1/2 ઓરેન્જ ફૂડ કલર
3 કપ ખાંડ
2 કપ પાણી
બનાવવાની રીત
એક મોટો બાઉલમાં બેસન લો અને તેમાં ઓરેન્જ ફૂડ કલર મિક્સ કરો. ત્યારબાદ થોડુ-થોડુ પાણી ઉમેરતા જઈને મિશ્રણ તૈયાર કરી લો. તેમાં બેસનની ગાંઠ ન રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. જ્યાં સુધી તે મિશ્રણ સરસ એકરસ ન થઈ જાય ત્યાં સુધી હાથથી તેને બ્લેન્ડ કરો. તેમાં ખાવાનો સોડા પણ ઉમેરીને ફરીથી મિક્સ કરી લો.
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. હવે તેના પર બુંદી બનાવવાનો જારો મૂકો. અને તેના પર થોડું તૈયાર કરેલું મિશ્રણ નાખો. ધીમે-ધીમે તે ઘીમાં પડશે. તેને ધીમા તાપે ત્યાં સુધી ચડવા દો જ્યાં સુધી તે સરખી રીતે તળાઈ ન જાય. આ રીતે બધા મિશ્રણમાંથી બુંદી પાડી લો.
એક પેન લો. તેમાં 3 કપ ખાંડ અને 2 કપ પાણી ઉમેરીને ચાસણી બનાવી લો. તેમાં ઈલાયચી પાઉડર પણ ઉમેરો. હવે જે બુંદી તૈયાર કરી છે તેને ચાસણીમાં ઉમેરો અને મિક્સ કરી લો.
હાથને ઘીથી ગ્રીસ કરો અને મિશ્રણમાંથી નાના-નાના સાઈઝના લાડુ બનાવી લો. બાદમાં તેને પીસ્તા અથવા બદામથી કતરણથી ગાર્નિશ કરો. તો તૈયાર છે મોતીચૂરના લાડુ.