બોટાદ લઠ્ઠાકાંડને મામલે ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ગૃહ વિભાગ દ્વારા 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય એસ.પીની બદલી કરવામાં આવી છે.
જાણો કોને કરાયા સસ્પેન્ડ અને કોની કરાઈ બદલી
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બે DYSP, એક PI , બે PSI સહિત 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે સવારે ગૃહ વિભાગ દ્વારા બોટાદ એસપી કરણરાજ વાઘેલા તેમજ અમદાવાદ ગ્રામ્યના એસપી વિરેન્દ્ર યાદવની બદલી કરી દેવાઈ છે. આ ઉપરાંત ધોળકાના ડીવાયએસપી એન.વી. પટેલ તેમજ બોટાદના ડીવાયએસપી એસ.કે. ત્રિવેદીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
જ્યારે ધંધુકાના પીઆઈ કે.પી. જાડેજા, ધંધુકા CPI સુરેશ ચૌધરી, બરવાળાના પીએસઆઈ બી.જી. વાળા, રાણપુરના પીએસઆઈ શૈલેન્દ્રસિંહ રાણાને પણ સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લઠ્ઠાકાંડ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગૃહ મંત્રાલય દ્વારા બે એસ.પીની બદલી કરવામાં આવી છે. બોટાદના SP કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરાઇ છે.
અત્યાર સુધીમાં 57 લોકોના મૃત્યુ
અત્રે ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મૃત્યુ થયા છે. જે બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. 25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના આંકડામાં વધારો થયો હતો ને 26 તારીખ ને મંગળવારે મૃત્યુઆંક 55 હતો. જ્યારે ગઈકાલે વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, એમ અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે.