મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે 112 લોકોના મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે 99 લોકો ગુમ છે. કોકણના રાયગઢમાં સૌથી વધુ તબાહી સર્જાઈ છે. જિલ્લામાં ત્રણ સ્થળે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. એકલા મહાડના તલિયા ગામે થયેલા ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 52 મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને 53 લોકો ગુમ છે. અહીં 33 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અનુસાર, રાયગઢ, રત્નાગિરી, સાંગલી, સાતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પુણેમાં અત્યાર સુધીમાં 112 મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 53 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તલિયા ગામ સિવાય રાયગઢ જિલ્લાના પોલાદપુર તાલુકાના સુતારવાડીમાં થયેલા ભૂસ્ખલનના કારણે 5 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને એક ગુમ છે, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કેવલાલે ગામમાં પણ 5 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વશિષ્ઠી નદી ઉપરનો પુલ સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે, જેના કારણે ચિપલૂન તરફનો રસ્તો સંપૂર્ણ રીતે અવરોધિત થઈ ગયો છે. મુંબઇ-ગોવા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.
1,35,313 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા
પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે વિભાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને નદીઓ વહેતી થઈ છે. અત્યાર સુધીમાં 1,35,313 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 40,882 લોકો કોલ્હાપુર જિલ્લાના છે.
અધિકારીઓએ કહ્યું કે, કોલ્હાપુર શહેર નજીક પંચગંગા નદી 2019માં આવેલ પૂરના સ્તરથી ઉપર વહી રહી છે. સાંગલીમાં 78000 લોકોને, સાતારામાં 5656, થાણેમાં 6,930 અને રાયગઢ જિલ્લામાં 1000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
સતારામાં 3024 પાલતુ પ્રાણીઓના મૃત્યુ
વરસાદ દરમિયાન ભૂસ્ખલન અને પૂરથી 3,221 પાલતુ પ્રાણીઓના મૃત્યુ નીપજ્યાં છે. સૌથી વધુ 3024 પ્રાણીઓના મૃત્યુ સાતારા જિલ્લામાં થયા છે, જ્યારે રત્નાગિરીમાં 115, રાયગઢમાં 33, કોલ્હાપુરમાં 27, સાંગલીમાં 13, પૂણેમાં 6 અને થાણેમાં 3 પ્રાણીઓના મૃત્યુ નીપજ્યાં છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનથી સાતારાના ઘણા વિસ્તારો ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે.