Maharashtra Political Crisis Updates: મહારાષ્ટ્રમાં રાજકારણનો હાઇવોલ્ટેજ ડ્રામા આજે પણ ચાલુ છે. ઘણા વધુ ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે. ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. બુધવારે રાત્રે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો ગુવાહાટીમાં શિંદે જૂથને મળ્યા છે. એટલું જ નહીં વધુ 2 ધારાસભ્યો આજે ગુવાહાટી જઇ શકે છે. આ પહેલા સીએમ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી આવાસ છોડીને માતોશ્રી પહોંચી ગયા હતા. ઠાકરેએ હાલમાં મુખ્યમંત્રીનું પદ છોડ્યુ નથી પરંતુ તેમણે સંકેત આપ્યો કે જો બળવાખોરો આગળ આવીને વાત કરશે તો તેઓ તેના માટે પણ તૈયાર છે. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને ધારાસભ્યોને ભાવુક અપીલ કરવા છતા શિવસેનાના નારાજ ધારાસભ્યોનો આંકડો વધી રહ્યો છે.
20 ધારાસભ્યો અમારા સંપર્કમાં- સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે, ગુવાહાટીમાં હાજર 20 ધારાસભ્યો તેમની તરફ છે. રાઉતે કહ્યું કે, આજે પણ અમારી પાર્ટી મજબૂત છે. કયા સંજોગોમાં અને કયા દબાણમાં તેઓએ અમને છોડી દીધા, તેનો ખુલાસો ટૂંક સમયમાં થશે… અમારા સંપર્કમાં 20 જેટલા ધારાસભ્યો છે અને જ્યારે તેઓ મુંબઈ આવશે ત્યારે તેનો ખુલાસો થશે. EDના દબાણમાં પાર્ટી છોડી દેનાર બાલાસાહેબના ભક્ત ન હોઈ શકે.
શિવસેનાના ત્રણ સાંસદો પણ શિંદે જૂથના સંપર્કમાં
શિવસેના સામે એક નવી મુશ્કેલી આવી ગઈ છે. શિવસેનાના ત્રણ સાંસદો પણ ભાજપ અને શિંદે જૂથના સંપર્કમાં હોવાનું કહેવાય છે. તેમાં ભાવના ગવલી, રામટેક ક્રિપાલ તુમાને, રાજેન્દ્ર ગાવિતના નામ સામેલ છે. બે સાંસદો પહેલેથી જ શિંદેની સાથે છે. જેમાં થાણેના સાંસદ રાજન વિચારે અને કલ્યાણના સાંસદ શ્રીકાંતનો સમાવેશ થાય છે. શ્રીકાંત એકનાથ શિંદેના પુત્ર છે.
NCP ચીફ શરદ પવારના અધ્યક્ષસ્થાને બેઠક શરુ
NCP ચીફ શરદ પવારના અધ્યક્ષ સ્થાને મોટી બેઠક શરુ થઈ ગઈ છે. તેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલ, મંત્રી જયંત પાટીલ, જિતેન્દ્ર આવ્હાડ અને પાર્ટીના નેતા સુનીલ તટકરેનો સમાવેશ થાય છે.
એકનાથ શિંદે જ શિવસેના ધારાસભ્ય દળના નેતા છેઃ રાજ્યપાલને પત્ર
આ વચ્ચે, ગઈકાલે શિંદે જૂથના 34 ધારાસભ્યોના હસ્તાક્ષરવાળો પત્ર ગવર્નર ભગતસિંહ કોશ્યારીને મોકલાયો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, એકનાથ શિંદે જ શિવસેના ધારાસભ્ય દળના નેતા છે. ભરત ગોગાવલેને નવા ચીફ વ્હિપ પસંદ કરાયા છે. શિવસેનાએ મંગળવારે શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવી દીધા હતા.
ઉદ્ધવે સીએમ આવાસ છોડી દીધું
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે મુખ્યમંત્રી નિવાસસ્થાનથી માતોશ્રી પહોંચ્યા હતા. આ દરમિયાન સંજય રાઉતનું મોટું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે. જરૂર પડશે તો અમે ગૃહમાં બહુમત સાબિત કરીશું.