મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં વીજળી વિભાગની મોટી ભૂલને કારણે એક વ્યક્તિની તબિયત ખરાબ થઈ ગઈ. જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવા પડ્યા હતા.
વાત એમ છે કે ગ્વાલિયરમાં, મધ્ય પ્રદેશ સરકાર દ્વારા સંચાલિત એક વીજ કંપનીએ એક પરિવારનું વીજળીનું બિલ ખોટું છાપ્યું, જેમાં 3,419 કરોડ રૂપિયાની રકમ છપાયેલી જોઈને વ્યક્તિ બીમાર પડી ગયો. જોકે પાછળથી પરિવારને સાચું બિલ આપવામાં આવ્યું.
માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી પ્રિયંકા ગુપ્તાને 3,419 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ આવ્યું, જે જોઈને તેમના સસરા બીમાર પડી ગયા હતા. મધ્યપ્રદેશ સરકાર સંચાલિત વીજ કંપનીએ તેના માટે ‘માનવીય ભૂલ’ને જવાબદાર ગણાવી છે. સાથે જ શહેરની શિવ વિહાર કોલોનીમાં રહેતા ગુપ્તા પરિવારને રાહત આપતા રૂપિયા 1,300નું સાચું બિલ જારી કરવામાં આવ્યું છે.
પ્રિયંકા ગુપ્તાના પતિ સંજીવ કાંકણેએ જણાવ્યું હતું કે જુલાઈના વીજળી બિલમાં ઘરેલું વપરાશની રકમ જોઈને તેમના પિતા બીમાર પડ્યા હતા.
તેમણે દાવો કર્યો હતો કે 20 જુલાઈના રોજ જારી કરાયેલું વીજળીનું બિલ મધ્યપ્રદેશ મધ્ય ક્ષેત્ર વિદ્યુત વિતરન કંપનીના પોર્ટલ દ્વારા ક્રોસ વેરિફાઈ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સાચું હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું કે બાદમાં રાજ્યની વીજ કંપનીએ બિલમાં સુધારો કર્યો.
વીજ કંપનીએ સુધારી પોતાની ભૂલ
વીજકંપનીના જનરલ મેનેજર નીતિન માંગલિકે જંગી વીજ બિલ માટે માનવીય ભૂલને જવાબદાર ગણાવીને કહ્યું કે સંબંધિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એક કર્મચારીએ સૉફ્ટવેરમાં વપરાશમાં લેવાયેલા એકમોની જગ્યાએ ગ્રાહક નંબર એન્ટર કર્યો, જેના પરિણામે વધુ રકમનું બિલ આવ્યું. હવે ગ્રાહકને 1,300 રૂપિયાનું સાચું બિલ આપવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કહ્યું કે ભૂલ સુધારી લેવામાં આવી છે અને સંબંધિત કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.