Ashish Nehra Love Story: ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા આ દિવસોમાં ચર્ચામાં છે. IPLના ઈતિહાસમાં તેઓ પ્રથમ ભારતીય મુખ્ય કોચ બની ગયા છે, જેમણે પોતાની ટીમને IPLની ટ્રોફી જીતાડી છે. આશિષ નેહરા વિશે તો બધા જાણે છે, પરંતુ તેમની લવ સ્ટોરી વિશે બહુ ઓછા લોકો જાણે છે. આશિષ નેહરાએ માત્ર 15 મિનિટમાં લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આશિષ નેહરાએ 2 એપ્રિલ 2009ના રોજ દિલ્હીમાં ગુજરાતની રૂશ્મા નેહરા (Rushma Nehra)સાથે લગ્ન કર્યા હતા, જેઓ એક આર્ટિસ્ટ છે. રૂશ્માનો જન્મ 10 મે 1983ના રોજ ગુજરાતમાં થયો હતો.
વર્ષ 2002માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઓવલમાં રૂશ્મા મેચ જોવા માટે ઓવલ પહોંચ્યા હતા, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થઈ અને રૂશ્માને પણ આશિષ નહેરા પસંદ આવવા લાગ્યા હતા. અહીંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
આશિષ નેહરા અને રૂશ્મા નેહરા 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. આશિષ નેહરાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, લગ્નનો પ્લાન માત્ર 15 મિનિટમાં બનાવ્યો હતો અને એક અઠવાડિયામાં જ બંનેના લગ્ન થઈ ગયા હતા.
આશિષ નેહરાએ જ્યારે રૂશ્માને લગ્ન માટે પ્રપોઝ કર્યો ત્યારે તેમને તે વાત મજાક લાગી અને તેમણે કોઈ જવાબ ન આપ્યો, પરંતુ જ્યારે નેહરાએ બીજા દિવસે ફરીથી એ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમને સમજાયું કે તે સાચું હતું અને તેમણે લગ્ન માટે હા પાડી દીધી હતી.
તેમના લગ્નના બરાબર 2 વર્ષ બાદ ભારત વર્ષ 2011માં વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું. આશિષ નેહરા આ ભારતીય ટીમનો હિસ્સો હતા. આશિષ નેહરા અને રૂશ્મા નેહરાને 2 બાળકો છે. પુત્રીનું નામ આરિયાના નેહરા અને પુત્રનું નામ આરુષ નેહરા છે.