શેર માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલ અને રશિયા-યુક્રેનના તણાવ વચ્ચે સરકાર Life Insurance Corp. of India (LIC)નો IPO લાવવા માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, સરકાર પોતાની યોજનામાં કોઈ ફેરફાર કરશે નહીં અને IPO સમય પર જ ઉતારવામાં આવશે.
સીતારમણે કહ્યું કે, LICના IPOને લઈને માર્કેટમાં ઉત્સાહ છે અને અમે તેની સાથે આગળ વધી રહ્યા છીએ. વૈશ્વિક સ્થિતિના કારણે બજાર પર પડતી અસરને લઈને અમે પણ ચિંતિત છીએ. શું વર્તમાન ઉતાર-ચઢાવને જોતા IPOની તારીખ મોકૂફ રાખી શકાય છે? આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, રોકાણકારો આ આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને અમે તેનો ફાયદો ઉઠાવવાની પૂરી તૈયારીમાં છીએ.
NSE Scam પર બોલવાનો ઇનકાર
જ્યારે નાણામંત્રીને પ્રેસ કોન્ફરન્સમાં NSEના પૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણ સાથે સંબંધિત વિવાદો પર સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, તેની તપાસ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે છે અને જ્યારે સુધી તેમની પાસે સંપૂર્ણ વિગતો ન આવે, ત્યાં સુધી તેઓ આ વિશે કઈ કહી શકશે નહીં.
દેશનો સૌથી મોટો IPO આવવાનો છે. તાજેતરના અહેવાલ પ્રમાણે, ભારતીય જીવન વીમા નિગમ (LIC) તેને 11 માર્ચે રજૂ કરી શકે છે. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તે એન્કર રોકાણકારો માટે 11 માર્ચે ખુલશે. જ્યારે અન્ય રોકાણકારો માટે તે બે દિવસ પછી ખોલવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, માર્ચના પ્રથમ સપ્તાહમાં તેને નિયમનકારી મંજૂરી મળી શકે છે. એક બાજુ IPO લૉન્ચની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં LIC પોલિસીના વેચાણમાં ભારે ઘટાડો થયો છે.
પોલિસીના વેચાણમાં ઘટાડો
LIC દ્વારા માર્કેટ રેગ્યુલેટર સેબીને સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, LICની પોલિસીના વેચાણમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. વ્યક્તિગત અને જૂથ પોલિસીઓનું વેચાણ નાણાકીય વર્ષ 2018-19માં 7.5 કરોડથી 16.76 ટકા ઘટીને નાણાકીય વર્ષ 2019-20માં 6.24 કરોડ થયું છે. તે જ સમયે નાણાકીય વર્ષ 2020-21માં તેમાં 15.84 ટકાનો ઘટાડો થયો છે અને આ આંકડો 5.25 કરોડ પર પહોંચ્યો છે.
કંપની દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, લોકડાઉનના કારણે 2019-20ના ચોથા ક્વાર્ટરમાં વ્યક્તિગત પોલિસીનું વેચાણ 22.66 ટકા ઘટીને 63.5 લાખ થયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 82.1 લાખ હતું. 2020-21 અને 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અનુક્રમે 46.20 ટકા ઘટીને 19.1 લાખ અને પછી 34.93 ટકા ઘટીને 23.1 લાખ રહ્યું છે.
કંપની પર નાણાકીય બોજ વધ્યો
પોલિસીના વેચાણમાં ઘટાડો થવાને કારણે કંપનીને નુકસાન થયું છે. તો બીજી બાજુ કોરોના સમયગાળા દરમિયાન મૃત્યુ વીમાની ચૂકવણીના કિસ્સામાં વીમા કંપની પર નાણાકીય બોજ સતત વધી રહ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના મહામારીના કારણે કંપનીની વ્યક્તિગત અને જૂથ પોલિસીઓની કુલ સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે મૃત્યુ વીમાના દાવાઓમાં તીવ્ર વધારો થયો છે.
નાણાકીય વર્ષ 2019, 2020 અને 2021 માટે અનુક્રમે 17,128.84 કરોડ, 17,527.98 કરોડ અને 23,926.89 કરોડ મૃત્યુ વીમા દાવા માટે ચૂકવવામાં આવ્યા છે. 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા છ મહિના માટે 21,734.15 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.