ઝઘડિયા તાલુકામાં વન્ય પ્રાણી દિપડાની વસ્તીમાં મોટા પ્રમાણમાં વધારો થયો હોવાની માહિતી સાંપડી રહી છે, ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર દિપડાએ પશુઓ પર હુમલા કર્યા હોવાની ઘટનાઓ તેમજ દીપડાએ દેખા દીધી હોવાના બનાવોમાં ખૂબ વધારો થઈ રહ્યો છે.
તાલુકામાં શેરડીના કટીંગ થયા બાદ દીપડાઓનો વસવાટ ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં વધી ગયો હોવાથી વારંવાર જીઆઇડીસીમાં દીપડાઓ નજરે પડે છે, જેથી ઝઘડિયા જીઆઈડીસીમાં કામ અર્થે આવતાં કામદારો ભયભિત બન્યા છે.
ઝઘડિયા જીઆઇડીસી સ્થિત ખાનગી કંપનીમાં રાત્રિ દરમિયાન દીપડાની લટાર સીસીટીવીમાં કેમેરામાં કેદ થવા પામી છે, રાત્રિ દરમિયાન કંપનીની વોલ પાસે લટાર મારતો દીપડો નજરે પડ્યો હતો. આ દ્રશ્યો કંપની દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
જીઆઇડીસી વિસ્તારમાં વારંવાર દિપડો જાહેરમાં દેખા દીધી હોવાના બનાવો બનતા હોય છે, ત્યારે ઝઘડિયા જીઆઇડીસીમાં દૂર દૂરથી હજારો કામદારો નોકરી રોજગાર અર્થે આવતા હોય છે. રાત્રિ દરમિયાન જીઆઇડીસીમાં નોકરી પર આવતા કામદારો વારંવાર દિપડાની લટાર માર્યા હોવાની બનતી ઘટનાઓથી ભયભીત બન્યા છે.
રિપોર્ટ: કાદર ખત્રી, ઝઘડીયા