Lakhimpur Kheri Case: લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના આરોપી આશિષ મિશ્રાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાના જામીન ફગાવી દીધા છે. આશિષ મિશ્રાને એક અઠવાડિયામાં આત્મસમર્પણ કરવું પડશે. જણાવી દઈએ કે આશિષ મિશ્રા ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. લખીમપુરમાં ખેડૂતોને પર ગાડી ચઢાવી દેવાના મામલે આશિષ મિશ્રાનું નામ સામે આવ્યું હતું. 4 એપ્રિલે આ કેસમાં તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
જણાવી દઈએ કે, આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતા, જેને હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટે પીડિત પક્ષનું ધ્યાન નથી રાખ્યું. પીડિત પક્ષની વાત સાંભળવામાં નથી આવી.
સુપ્રીમ કોર્ટે કહ્યું- હાઈકોર્ટે ફરી વિચારવું જોઈએ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, હાઈકોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજી પર પુનર્વિચાર કરવો જોઈએ. તો પીડિત પક્ષકારોના વકીલ દુષ્યંત દવેએ વિનંતી કરી કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહેવું જોઈએ કે આ વખતે આ મામલો અન્ય કોઈ બેન્ચ સમક્ષ મૂકવો જોઈએ. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, આવો આદેશ આપવો યોગ્ય નથી.
8 લોકોના થયા હતા મૃત્યુ
3 ઓક્ટોબર 2021ના રોજ લખીમપુરના ટિકુનિયામાં હિંસામાં 8 લોકોના મૃત્યુ થયા હતા. આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુએ પોતાની જીપ વડે ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ કેસમાં ઉત્તર પ્રદેશ એસઆઈટીએ 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. SITએ મુખ્ય આરોપી તરીકે આશિષ મિશ્રાનું નામ જણાવ્યું હતું. આટલું જ નહીં, SIT અનુસાર, આશિષ ઘટનાસ્થળે હાજર હતો. આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા.