કુંવરજી બાવળીયા મંત્રી પદ ગયા બાદ સતત તંત્ર અને સરકારને ઘેરી રહ્યા છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આક્ષેપ મુક્યો હતો કે, વિકાસના કામો સમયસર પૂરા થઈ રહ્યા નથી. મત વિસ્તારમાં વિકાસ દુર્લભ હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારમાં કામ થતા ન હોવાના આક્ષેપો પૂર્વ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ કર્યા છે આ અંગે તેમણે રજૂઆત પણ કરી હતી. કુંવરજી બાવળિયાએ ઉમેર્યું કે, PIU દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સમયસર કામ પૂર્ણ થતા નથી. પેટા કોન્ટ્રાક્ટરને કામ અપાતા સમયસર કામગીરી થતી નથી અને વિકાસના કામો અટકે છે.
બેઠકમાં કુંવરજી બાવળીયાએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. મંત્રીપદ ગયા બાદ હવે કુંવરજી બાવળિયા બેઠકોમાં સરકાર સમક્ષ પ્રશ્નોનો ખડકલો કરી રહ્યા છે જેને લઈ રાજકીય પંડિતોમાં તેમના નામને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બાવળીયા સરકાર અને તંત્રને પ્રશ્નોનું દબાણ કરી ટિકિટ નક્કી કરાવી રહ્યાંની ચર્ચાઓ થઈ રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બાવળીયાને ટિકિટ કપાવવાનો ડર સતાવી રહ્યો છે. કારણ કે ભાજપ નો-રિપિટ થિયરી પણ અપનાવી શકે છે. નોંધનીય છે કે, કુંવરજી બાવળીયા કોળી સમાજને એકત્ર કરીને સમયાંતરે શક્તિપ્રદર્શન પણ કરી રહ્યા છે.
દેવજી ફતેપરા બાવળિયાથી નારાજ
થોડા સમય પહેલા કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં દેવજી ફતેપરાને બેઠક માટે ન બોલાવાતા દેવજી ફતેપરાએ નારાજગી દર્શાવી હતી. આ સિવાય ભાજપ સાથેની બેઠકમાં કુંવરજી બાવળિયા અને તેમના જૂથના અગ્રણીઓને જ આમંત્રણ અપાયું હતું જેના કારણે ફતેપરાએ નારાજગી દર્શાવી છે. જેના કારણે ળી સમાજમાં બે ફાંટા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.