ખેરાલુ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખાનગી હોસ્પિટલનું ઉદ્ધાટન કરાયું હતું. આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી.
નવીન હોસ્પિટલનો શુભારંભ કરતી વખતે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં નવી હોસ્પિટલ બનાવવા માટે 5.85 કરોડ રુપિયા ફાળવવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલના નિર્માણથી સ્થાનિકોને ઘણો લાભ થશે. આ ઉપરાંત ખેરાલુ વિધાનસભાના તમામ તળાવમાં પાણી નખાશે. આ માટે 250 કરોડ રુપિયાનો ખર્ચ સરકાર કરશે.
તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે ખેરાલુ આગળ આવે તેવું આયોજન કર્યું છે. આ તકે નગરપાલિકાના પ્રમુખ હેમંત શુક્લએ તમામ મહેમાનોને આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય અજમલજી ઠાકોર, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, એપીએમસી ચેરમેન ભીખાલાલ ચાચરીયા, ડૉ.જે.કે ગોસાઈ, ડૉ. નિપુલ નાયક, ડૉ.હર્ષદભાઇ વૈધ,રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટઃ ફારૂક મેમણ, મહેસાણા