ખેડા: ગુજરાતના વાતાવરણમાં આજે વહેલી સવારથી પલટો જોવા મળ્યો હતો. ખેડા, અમદાવાદ સહિતના અનેક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું.
ખેડામાં પણ ધુમ્મસના કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝીબીલિટી ઘટી ગઈ હતી. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેના પગલે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલ નજીક ટ્રકને અકસ્માત નડ્યો હતો.
અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી પસાર થઈ રહેલ એક ટ્રક ચાલકે ધુમ્મસના કારણે વિઝીબીલિટી ઘટી જતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેના પગલે ટ્રક સીધો ટોલ ટેક્સ પાસે અથડાયો હતો.
જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાવા પામી નહતી. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે ટ્રકના આગળના ભાગને મોટુ નુકસાન થયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જ્યારે ટોલ ટેક્સના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.