જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ફાયર વિભાગમાં ભરતી મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ ભરતીમાં ગેરરીતિ થઈ હોવાને લઈ વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે.
કેશોદ નગરપાલિકા ફાયર વિભાગમાં ભરતીમાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જે બાબતે યોગ્ય તપાસ કરવાની માંગ સાથે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. ત્યારે વાદ વિવાદ વચ્ચે એક અરજદાર પાસેથી તેમના પુત્રને ફાયર વિભાગમાં નોકરી માટે નગર પાલિકા પ્રમુખ દિયર દ્વારા સાત લાખની માંગણી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.
જે બાબતે સાંગરસોલા ગામના અરજદારના પિતા દિનેશભાઈ ચાવડાએ એસીબીમાં લેખિતમાં રજૂઆત પણ કરી છે જેમાં આક્ષેપ કરતા જણાવાયું છે કે નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયાના દિયરે અરજદારને માંગરોળ રોડ ઉપર આવેલ એક દુકાને બોલાવી તેમના પુત્રને ફાયર વિભાગની ભરતીમાં સિલેકટ થવા સાત લાખની માંગ કરી હતી.
જે બાબતે દિનેશભાઈ ચાવડાએ એસીબીમાં લેખિતમાં રજુઆત કરી યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. વધુમાં અરજદારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ફાયર વિભાગની ભરતીમાં નગરપાલિકા સદસ્યના પુત્રને લીધેલ હોય જે અન્ય જગ્યાએ પણ નોકરી કરતો હોવા છતાં પસંદગી કરવામાં આવી છે. ફાયર વિભાગની ભરતીમાં જેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેના નામ જાહેર કરવામાં આવે અને નગરપાલિકા સતાધીશો દ્વારા ફાયર વિભાગની ભરતી બાબતે જાહેરમાં ખુલાસો કરવામાં આવે તેવી માંગ અરજદારે મીડિયા સમક્ષ કરી હતી. તો બીજીબાજુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ફાયર વિભાગમાં થયેલ ભરતીમાં કોઈ ગેરરીતી કરાઈ ન હોવાનું જણાવી આક્ષેપોને ફગાવી દેવાયા હતા.