તા-12-01-2022 આગામી મકર સંક્રાંતિના તહેવારના અનુસંધાને વન વિભાગ, પશુપાલન વિભાગ તથા જીવદયા પ્રેમી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકોના સહયોગથી કરૂણા અભિયાન યોજાઈ રહ્યું છે.
જેના અનુસંધાને વન મંત્રી કિરીટસિંહ રાણા, કૃષિ, પશુપાલન અને ગોસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ તેમજ રાજ્ય વનમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી કરૂણા અભિયાનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
જેમાં ઉત્તરાયણ પ્રસંગે પતંગની દોરીથી ઓછાંમાં ઓછાં પક્ષીઓ ઘાયલ થાય તેમજ ઘાયલ થયેલાં પક્ષીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજનની વિગતો મેળવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓને બચાવવા કરેલી વીડિયો અપીલના અનુસંધાને વન વિભાગ દ્વારા પક્ષી બચાવવા માટે કરવામાં આવેલી જિલ્લાવાર તૈયારીઓનું વિગતવાર પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીઓએ સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ઉડાડવા, પતંગ ચગાવવા માટે ચાઇનીઝ તથા કાચની દોરીનો ઉપયોગ કોઈ પણ સંજોગોમાં ન કરવા અપીલ કરી હતી. તેમજ જો કોઈ વ્યક્તિ ચાઇનીઝ દોરી વેચતો માલુમ પેડે તો પોલીસ અથવા વન વિભાગને જાણ કરવા જણાવ્યું હતું.
વધુમાં મંત્રીઓએ એમ પણ જણાવ્યું કે, જો કોઇ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો. જેની જિલ્લાવાર વિગત વોટ્સએપ નં. 8320002000 ઉપર ‘Karuna´ મેસેજ ટાઇપ કરવાથી કે વેબસાઇટ https://bit.ly.karunaabhiyan ઉપર ક્લિક કરવાથી મળી શકશે. એટલું જ નહિ, પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે. આગામી ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 700થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 620થી વધારે તબીબો તેમજ 6000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.
આ બેઠકમાં તમામ જિલ્લાના વન અધિકારીઓ તથા પશુપાલન વિભાગના અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.