Kanpur Violence: કાનપુરમાં શુક્રવારની નમાજ દરમિયાન ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ ઝફર હયાતની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઝફર પર આરોપ છે કે તેણે હિંસા પહેલા ઉશ્કેરણીજનક પોસ્ટર લગાવ્યા હતા. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 35થી વધુ લોકોની ધરપકડ કરી છે, સાથે જ 500થી વધુ લોકોના સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે.
એવું કહેવામાં આવ્યું છે કે, ઝફર હયાતે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદની મુલાકાતને લઈને બંધની અપીલ કરી હતી, સાથે પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. જે બાદ લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને હિંસા ફેલાઈ ગઈ. જો કે, પરિવારે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. પરિવારે જણાવ્યું કે, પોલીસની હાજરીમાં હયાતે પોતાનું નિવેદન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. જે બંધની અપીલ કરવામાં આવી હતી તે પાછી ખેંચી લેવામાં આવી હતી. પરિવારનું કહેવું છે કે ઝફર હયાતને ફસાવવામાં આવ્યો છે. પોલીસે તેમની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી.
કેવી રીતે શરુ થઈ હિંસા?
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્ત નુપુર શર્મા તરફથી તાજેતરમાં જ ટીવી પર એક કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન કથિત રીતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના વિરોધમાં શુક્રવારની નમાઝ પછી જ્યારે સમુદાયના લોકોએ બળજબરીથી દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો તો પરેડ, યતિમખાના વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. આ અથડામણમાં પોલીસ કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.