જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની વીડિયોગ્રાફીનો આદેશ આપનારા સિનિયર ડિવિઝન જજ રવિ કુમાર દિવાકરને મંગળવારે એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. વારાણસીના પોલીસ કમિશનરે જણાવ્યું કે, ન્યાયાધીશની સુરક્ષા માટે નવ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ કમિશનરે શું કહ્યું?
વારાણસી સિનિયર ડિવિઝનના ન્યાયાધીશ દિવાકરે આ સંબંધમાં અધિક મુખ્ય સચિવ (ગૃહ), પોલીસ મહાનિર્દેશક અને વારાણસી પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ધમકીઓ મળવાની માહિતી આપી છે. અધિકારીઓને મોકલવામાં આવેલા પત્રમાં ન્યાયાધીશે લખ્યું છે કે, આ પત્ર તેમને ‘ઈસ્લામિક આગઝ મૂવમેન્ટ’ દ્વારા મોકલવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં વારાણસીના પોલીસ કમિશનર સતીશ ગણેશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ન્યાયાધીશ દિવાકરને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા એક પત્ર મળ્યો છે. જેની સાથે અન્ય કેટલાક પેપર પણ સામેલ છે. ન્યાયાધીશે હાલમાં જ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, વારાણસીના ડેપ્યુટી પોલીસ કમિશનર વરુણને મામલાની તપાસ સોંપવામાં આવી છે. સતીશ ગણેશે જણાવ્યું કે, તેમની સુરક્ષામાં કુલ નવ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય સમયાંતરે તેમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
જજને મંગળવારે મળેલા પત્રમાં પણ આદેશમાં લખાયેલી લાઈનોનો ઉલ્લેખ કરાયો છે અને લખાયું છે કે, તમે મીડિયામાં નિવેદન આપ્યું કે, સર્વે એક સામાન્ય પ્રક્રિયા છે. આ વાતોના ઉલ્લેખની સાથે જ ધમકી આપતા કહેવાયું છે કે તમે 80 ટકા લોકો માટે કામ કરી રહ્યા છો તથા સંઘ અને તેના સહયોગી સંગઠનોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. હવે 20 ટકા મુસ્લિમો એક થઈ રહ્યા છે. તમારા નિર્ણયથી હિન્દુઓમાં મુસ્લિમો પ્રત્યે નફરત ભરાઈ રહી છે, જેટલા તેઓ મુસ્લિમો પ્રત્યે વધુ નફરત કરશે, એટલા જ મુસ્લિમો એક થશે. આ પત્રમાં ઘણી વાંધાનજક વાતો લખાઈ છે. પત્રમાં સ્પષ્ટ રીતે તોફાનો જેવી સ્થિતિ ઊભી કરવાની ધમકી આપવામાં આવી છે.