કનુભાઈ કલસરીયાઃ અનામતનો લાભ સામેથી છોડનારા લોકનેતા

કનુભાઈ કલસરીયાઃ અનામતનો લાભ સામેથી છોડનારા લોકનેતા

ગુજરાતમાં જેમને સાચા અર્થમાં લોકસેવક અને લોકો માટે લડનારા ગણી શકાય તેવા નેતા બહુ ઓછા છે. કનુભાઈ કલસરીયા આવા નેતાઓમાં ચોક્કસ સ્થાન પામે. ભાવનગર જિલ્લાની મહુવા વિધાનસભા બેઠક પરથી
સળંગ ત્રણ વાર જીતનારા કનુભાઈ કલસરીયાએ લોકોના પ્રશ્ને લડત આપવા પોતાની જ ભાજપ સરકાર સામે બાંયો ચડાવી દીધી હતી. તેના કારણે તેમની રાજકીય કારકિર્દીને મોટો ફટકો પડ્યો અને કલસરીયા રાજકીય
રીતે પતી જવાના આરે આવી ગયા પણ એ છતાં તેમણે પોતાના સિધ્ધાંતો ના છોડ્યા. લોકો માટેની તેમની લડત હજુ ચાલુ જ છે. 

કનુભાઈ કલસરીયા આહિર જ્ઞાતિમાંથી આવે છે. આહિર જ્ઞાતિમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યારે કલસરીયા એમ.બી.બી.એસ. થઈને ડોક્ટર થયા હતા. એ પછી તેમણે એમ.એસ. કર્યું અને સર્જન બન્યા. જો કે ડોક્ટર બનીને
પૈસા કમાવવામાં તેમને રસ નહોતો પણ લોકોની સેવા કરવા માંગતા હતા તેથી ભાવનગર વિસ્તારમાં જ રહ્યા. ભાવનગરમાં જ તેમણે ગરીબોની સેવા કરવા હોસ્પિટલ બનાવી અને સેવાયજ્ઞ શરૂ કર્યો. 

ડો. કલસરીયાની આ સેવાના કારણે તે આ વિસ્તારમાં ભારે લોકપ્રિય થયા. ભાજપે તેમની લોકપ્રિયતાનો લાભ લેવા 1998માં મહુવા વિધાનસભા બેઠક પરથી ટીકીટ આપી હતી, કલસરીયા આસાનીથી જીતી ગયા ને
ધારાસભ્ય બન્યા. એ પછી 2002 અને 2007મા પણ જીત્યા. સ્વચ્છ પ્રતિભા અને સેવાભાવી હોવાના કારણે ભાજપમાં તેમની સામે કોઈ વિરોધ નહોતો. 

જો કે 2008ની આસપાસ મહુવામાં નિરમાની ફેક્ટરીને મંજૂરી મળી એ સાથે સ્થિતી બદલાઈ. આ ફેક્ટરી ખેડૂતોને નુકસાન કરે તેમ હતી તેથી કલસરીયાએ તેને બીજે ઠેકાણે ખસેડવા રજૂઆત કરી પણ મુખ્યમંત્રી નરેન્દ્ર
મોદીએ તેમની વાત ના સાંભળી. કલસરીયાએ પોતાની જ સરકાર સામે બાંયો ચડાવીને ખેડૂતોનું આંદોલન શરૂ કર્યું. 

આ લડતમાં તેમની જીત થઈ અને ડો. કલસરીયા હીરો બની ગયા પણ ભાજપની નેતાગીરી માટે તે વિલન હતા. કલસરીયાએ તેની પરવા ના કરી અને  લોકોના પ્રશ્નો માટે  લડત આપતા રહ્યા.  તેઓ પોતાની જ સરકાર
સામે પડ્યા. છેવટે ભાજપે તેમને પક્ષમાંથી દૂર કર્યા. કલસરીયા તેનો અફસોસ રાખ્યા વિના લોકો માટે લડતા રહ્યા. 

કલસરીયા એ પછી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કનુભાઈ કલસરિયા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ  રહી ચૂક્યા છે. એ વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીમાં અપક્ષ લડ્યા હતા. બંને
વાર તે એકદમ નજીવા અંતરેથી હાર્યા. આ હારથી હતાશ થયા વિના તે હજુ પણ લોકોના પ્રશ્નો માટે લડે છે અને ખેડૂતોનાં હિતો સાચવે છે. હવે તે કોંગ્રેસમાં જોડાયા છે અને ભાવનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના
ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. 

કનુભાઈ કલસરિયા ભાવનગર જિલ્લા અને ખાસ તો મહુવા વિસ્તારના લોકો માટે લડત આપે છે, સામાન્ય જનતાની સેવા કરે છે તેના કારણે ભારે લોકપ્રિય છે. ડોક્ટર હોવા છતાં લોકો સાથે જોડાયેલા અને લોકો વચ્ચે
રહેતા નેતા તરીકેની છાપ ધરાવતા કનુભાઈ કલસરિયાના ટ્રસ્ટની હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રથી લોકો એકદમ નજીવા દરે સારવાર કરાવવા આવે છે. 

કોઈ આંગળી પણ ના ચીંધી શકે તેવી સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને લોકપ્રશ્નોએ સક્રિય તેવા કનુભાઈ કલસરિયા વિશે બીજી પણ એક વાત જાણવા જેવી છે. એ પોતે ઓબીસી સમાજમાંથી આવે છે પણ તેમણે સ્વેચ્છાએ
અનામતનો લાભ છોડી દેવાની જાહેરાત કરી છે. પોતે ડોક્ટર છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્યારે પોતાના પરિવારને અનામતનો લાભ લેવાની સામેથી જાહેરાત કરે તેવો નેતા ગુજરાતમાં બીજો નહીં મળે. 

Top