શંભુપ્રસાદ ટુંડિયાઃ મલાઈદાર નોકરીની ઓફર છોડનારા નેતા

શંભુપ્રસાદ ટુંડિયાઃ મલાઈદાર નોકરીની ઓફર છોડનારા નેતા

ગુજરાતમાં ભાજપમાં છેલ્લા એક દાયકામાં જે નવી નેતાગીરી ઉભરી તેમાં એક નામ શંભુપ્રસાદ ટુંડિયાનું પણ છે. હાલમાં રાજ્ય સભાના સભ્ય શંભુપ્રસાદ ટુંડિયા રાજકારણી હોવા ઉપરાંત ધર્મગુરુ પણ છે. દલિતોમાં જેના માટે ભારે શ્રધ્ધા છે એવા ઝાંઝરકાના સવગુણ સમાધિસ્થાનના મહંત એવા ટુંડિયા એ રીતે બેવડી ભૂમિકામાં છે. દલિતોના તારણહાર મનાતા ટુંડિયા માટે દલિતોને ભારે માન છે.

શંભુપ્રસાદ ટુંડિયાની જીવનકથા ભારે રસપ્રદ છે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આવેલું ઝાંઝરકા ગામ સવગુણ સમાધિસ્થાન માટે જાણીતું છે. આ સમાધિસ્થાનના મહંત તરીકે વરસોથી ટુંડિયા પરિવાર સેવા આપે છે. ઝંઝારકા નાનકડું ગામ છે અને ટુંડિયા પરિવાર વરસોથી ત્યાં રહે છે. 

શંભુપ્રસાદના પિતા બળદેવદાસજી પણ સમાધિસ્થાનના મહંત હતા. તેમને બે પુત્રો હતા ને તેમાં શંભુપ્રસાદ નાના પુત્ર છે. શંભુપ્રસાદનો જન્મ ઝાંઝરકામાં થયો હતો. બળદેવદાસજી વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) સાથે સંકળાયેલા હતા. તેના કારણે તેમના પુત્રો પણ હિંદુવાદી વિચારધારા તરફ વળ્યા.

શંભુપ્રસાદ બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા હતા અને તેની શાખામાં જતા. શંભુપ્રસાદ ધંધુકાની સરકારી પ્રાથમિક શાળામાં જ ભણ્યા પણ એ ભણવામાં પહેલેથી હોંશિયાર હતા. કિશોરાવસ્થામાં એ વિશ્વ હિંદુ પરિષદ તરફ વળ્યા અને અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ચાલેલી ચળવળમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. શંભુપ્રસાદ કોલેજમાં હતા ત્યારે જ ભાજપમાં જોડાઈ ગયા હતા અને સક્રિય રાજકીય ભૂમિકા ભજવતા હતા.

ટુંડિયા ભણવામાં હોંશિયાર હતા અને યુવાનીમાં ક્લાસ વન અધિકારી બનવા માગતા હતા. તેમણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ની ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી માટે લેવાયેલી પરીક્ષા પણ પાસ કરી હતી. એ વખતે તેમને ડીવાય.એસ.પી. તરીક પોસ્ટિંગ પણ મળે તેમ હતું પણ તેમણે એ ઓફર નકારી કાઢી. તેમના પિતા બળદેવદાસજીએ તેમને ઝાંઝરકા સમાધિના મહંત તરીકે પસંદ કર્યા હતા તેથી તેમણે મલાઈદાર સરકારી નોકરીની ઓફર ઠુકરાવીને દલિતોની સેવાને મહત્વ આપ્યું.

બીજી તરફ ભાજપમાં તેમની કામગીરીના કારણે ભાજપે 2007ની ચૂંટણીમાં તેમને સુરેન્દ્રનગરની દસાડા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી. ટુંડિયા દસાડા બેઠક પરથી જીતીને માત્ર 37 વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા. એ પછી એ ચૂંટણી ના લડ્યા અને સંગઠનમાં કામ કર્યું. ભાજપે તેમને પ્રદેશ ઉપપ્રમુખ તથા એસ.સી. મોરચાનું પ્રમુખપદ જેવા મહત્વના હોદ્દા આપ્યા છે. 2014માં ભાજપે તેમને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા.

શંભુપ્રસાદ ટુંડિયાની ગણના ભાજપના નિડર અને નિર્ભિક નેતા તરીકે થાય છે. સાચી વાત કહેવામાં એ કોઈની શરમ નથી રાખતા એવી તેમની છાપ છે. ઉના દલિત કાંડ વખતે તેમણે પોતાની આ નિર્ભિકતાનો પરચો આપ્યો હતો. એ વખતે ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં. આ મામલે સરકાર કોઈ પગલાં નહોતી ભરતી તેથી છંછેડાઈને ટુંડિયાએ પોતાની જ સરકાર સામે ઉગ્ર આંદોલનની પણ ચેતવણી આપી હતી.

દલિત સમાજમાં ટુંડિયા માટે લોકોને ભારે માન છે. ટુંડિયા પણ દલિત સમાજના પ્રશ્નો અંગે સતત સજાગ રહે છે. દલિતોની સામાજિક અને આર્થિક સ્થિતી સુધારવા માટે સતત કામ કરતા ટુંડિયા દલિતોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ઝુંબેશ ચલાવે છે. આ ઉપરાંત સમાજમાં સંવાદિતા સ્થપાય તે માટેના તેમના પ્રયત્નો પણ સરાહનિય છે. 

Top