ડો. પ્રણવ પંડયાઃ રાજ્યસભાનું સભ્યપદ ઠુકરાવનારા વિરલ વ્યક્તિ

ડો. પ્રણવ પંડયાઃ રાજ્યસભાનું સભ્યપદ ઠુકરાવનારા વિરલ વ્યક્તિ

ભારતમાં સત્તા માટે લોકો ગમે તે હદે જતાં અચકાતા નથી ત્યારે સામેથી મળતી સત્તા અને પદને ઠોકર માકે એવા વિરલા ભાગ્યે જ જોવા મળે. ગાયત્રી પરિવારના ડો. પ્રણવ પંડ્યા આવા જ વિરલ વ્યક્તિ છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી પહેલી વાર રાજ્યસભામાં સભ્યો નિયુક્ત કરવાના આવ્યા ત્યારે જેમની રાજ્યસભાના સભ્યપદે નિમણૂક કરાઈ હતી તેમાં એક નામ ડો. પ્રણવ પંડ્યાનું પણ હતું. જો કે ડો. પ્રણવ પંડ્યાએ રાજ્યસભાનું સભ્યપદ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. 

ડો. પ્રણવ પંડ્યા વારંવાર એવું કહેતા કે,  ગાયત્રી પરિવારના લોકોએ રાજકારણથી દૂર રહેવું જોઈએ. જાહેર જીવનમાં પદેલી મોટા ભાગની વ્યક્તિની કરણી અને કથનીમાં ફરક હોય છે. પંડ્યાએ સાબિત કર્યું કે પોતાની કરણી અને કથની બંને એક જ છે. પોતાના અંતરાત્માના અવાજને સાંભળીને તેમણે રાજ્યસભાનું સભ્યપદ ના સ્વીકાર્યું.  પંડ્યાએ આ પ્રકારની હિંમત પહેલી વાર નથી બતાવી. 

પંડ્યા આ પહેલાં પણ અમેરિકામાં ડોક્ટર તરીકે કામ કરવા માટે મળેલી મોટી મોટી ઓફરોને ઠુકરાવી ચૂક્યા છે. તેમના માટે સમાજ સેવા જ સર્વસ્વ છે ને એ માટે કશું પણ છોડવું પડે તો તેને માટે એ એક ક્ષણ પણ વિચારતા નથી. 

ગાયત્રી તીર્થ શાંતિકુંજના પ્રમુખ ડો. પ્રણવ પંડ્યા હાલમાં ગાયત્રી પરિવારના મેગેઝિન ‘અખંડ જ્યોતિ’ના સંપાદક હોવાની સાથે સાથે દેવ સંસ્કૃત યૂનિવર્સિટીના કુલાધિપતિ (ચાન્સેલર ) પણ છે. બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનના ડિરેક્ટર પણ છે. 

ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રીરામ આચાર્યની અત્યંક નજીક રહી ચૂકેલા ડો. પંડ્યાએ 80 કરતાં વધારે દેશોમાં ગાયત્રી પરિવારની શાખા ખોલી છે અને એ રીતે ગાયત્રી પરિવારનો વિસ્તાર કરવામાં તેમનું મોટું યોગદાન છે. 

પંડ્યા મૂળ વડોદરાના બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. ઈન્દોરમાં 8 નવેમ્બર, 1950ના રોજ જન્મેલા ડો. પંડ્યા માત્ર 13 વર્ષની વયે પંડિત શ્રીરામ શર્માના સંપર્કમાં આવ્યા હતા. 1963માં ગાયત્રી પરિવારની યુગ નિર્માણ યોજના સાથે જોડાયા પછી ગાયત્રી પરિવારના મથુરા અને હરિદ્વારના આશ્રમોમાં નિયમિત રીતે શિબિરોમાં ભાગ લેતા હતા. ભણવામાં તેજસ્વી હતા તેથી અભ્યાસ પણ ચાલુ હતો.  

1972માં ઈન્દોરની એમજીએમ મેડિકલ કોલેજમાંથી એમબીબીએલ કર્યું ને 1975માં મેડિસિનમાં એમડી કર્યું હતું. પંડ્યા એમ.ડી.માં ગોલ્ડ મેડાલિસ્ટ હતા. 1976માં તેમણે યૂએસ મેડિકલ સર્વિસ માટે ક્વોલિફાય કર્યું હતું પણ ગુરૂ શ્રીરામ શર્માજીના આગ્રહથી અમેરિકા ના ગયા. તેના બદલે ભારતમાં જ સેવા કરવાનું પસંદ કર્યું. 

સપ્ટેમ્બર, 1978 સુધી તેમણે ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડમા હરિદ્વાર અને ભોપાલની હોસ્પિટલોમં કામ કર્યું ને પછી 1978માં કાયમ માટે હરિદ્વાર આવી ગયા. ગુરૂ શ્રીરામ શર્માનાં પુત્રી શૈલબાલા સાથે લગ્ન કરીને તેમણે દામ્પત્યજીવન પણ શરૂ કર્યું. 

જૂન 1978માં તેમણે અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વય માટે બ્રહ્મવર્ચસ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના કરી હતી. અહીં તેમણે અત્યાધુનિક લેબોરેટરી બનાવી છે અને સાધનાનાં વૈજ્ઞાનિક પાસાં પર રીચર્સ કરે છે. અત્યાર સુધી 80 હજાર કરતાં વધારે સાધકો પર તેમણે રીસર્ચ કર્યું છે. 

ડો. પંડ્યાએ ભારતીય જ્ઞાનને વ્યાપક બનાવવામાં પણ મોટું યોગદાન આપ્યું છે. આયુર્વેદ, મનોવિજ્ઞાન. યોગ, પ્રાણાયમ વગેરેના પ્રચારમાં તેમનું મોટું યોગદાન છે. ભારતીય વેદ સહિતના ગ્રંથોનો ગહન અભ્યાસ કરનારા ડો. પંડ્યા ભારતમાં સાયન્ટિફિક સ્પિરિચ્યુઆલિટીના પ્રણેતા ગણાય છે ને તેની મદદથી તેમણે લાખો લોકોનાં જીવનને નવી દિશા આપી છે. વિશ્વ ધર્મ સંસદમાં ભારતીય સંસ્કૃતિનાં વૈજ્ઞાનિક પાસાંને લોકો સામે મૂકનારા પંડ્યા બ્રિટનની સંસદનાં બંને ગૃહોને પણ સંબોધી ચૂક્યા છે. 

Top