મહંત સ્વામી મહારાજઃ ધર્મ અને કર્મનો સમન્વય

મહંત સ્વામી મહારાજઃ ધર્મ અને કર્મનો સમન્વય

ભારતમાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવામાં મહત્વનું યોગદાન આપનારી સંસ્થાઓમાં સ્વામીનારાયણ સંપ્રદાય મુખ્ય છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (BAPS)નું યોગદાન બહુ મોટું છે. આ સંસ્થાએ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખી છે. 

આ સંસ્થાના વડા મહંત સ્વામી છે. સામાન્ય રીતે ધર્મ સાથે સંકળાયેલી સંસ્થાઓના વડા ઉચ્ચ શિક્ષીત નથી હોતા. ભારતીય ધર્મગ્રંથોનું તેમને જ્ઞાન હોય પણ અંગ્રેજી ભાષાનું જ્ઞાન ના હોય એવું મોટા ભાગે બનતું હોય છે. મહંત સ્વામી તેમાં અપવાદ છે. અંગ્રેજી માધ્યમમાં ભણેલા મહંત સ્વામી બી.એસસી. (એગ્રીકલ્ચર) થયેલા છે ને છતાં ભારતીય સંસ્કૃતિના જતન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. 

મહંત સ્વામીનો જન્મ 13 સપ્ટેમ્બર, 1933ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો. મહંત સ્વામી BAPSના છઠ્ઠા વડા છે. BAPS ગુરુ પરંપરામાં માને છે અને  મહંતસ્વામી પહેલાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ તેના વડા હતા. મહંત સ્વામીને શાસ્ત્રીજી મહારાજ BAPSમાં લઈ આવ્યા હતા.  

મહંત સ્વામીના બાળપણનું નામ વિનુ હતું. તેમના પિતાનું નામ મણિભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબેન હતું.  તેમણે  ધોરણ 12 સુધીનો અભ્યાસ જબલપુરની ક્રાસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યો હતો અને પછી આણંદ યુનિવર્સિટીમાંથી બેચલર્સ ઈન એગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી. શાસ્ત્રીજી મહારાજ તેમને પહેલ વાર મળ્યા ત્યારે બાળક વિનુને કેશવ નામ આપ્યું હતું. 

મહંત સ્વામી કોલેજમાં ભણતા ત્યારે 1951-52ના સમયગાળા દરમિયાન યોગીજી મહારાજને મળ્યા. તેમના વિચાર, તેમની જીવન પધ્ધતિ અને તેમના નિ:સ્વાર્થ પ્રેમની ભાવનાથી પ્રભાવિત થઈ ગયા. મહંત સ્વામીએ ધીમે ધીમે સંતના સાનિધ્યમાં વધારે વખત વિતાવવાનું શરૂ કર્યું. કોલેજના વેકેશન સમયમાં તેમનો મોટો વખત યોગીજી મહારાજ સાથે જ વિતાવતા. ધીરે ધીરે તે આધ્યાત્મિકતામાં ઓતપ્રોત થઈ ગયા ને આધ્યાત્મિક જીવનમાં જાતને વાળવાનો નિર્ણય લીધો. 2 ફેબ્રુઆરી 1957ના રોજ 24 વર્ષની વયે તેમણે પાર્ષદી દીક્ષા લીધી અને  વિનુ ભગત તરીકે ઓળખાવા લાગ્યા. 

યોગીજી મહારાજના સત્સંગ યાત્રા પ્રવાસ વખતે વિનુ ભગત તેમની સાથે રહેતા. તેમની નિષ્ઠા તથા ધર્મમાં શ્રધ્ધાના કારણે 11 મે, 1961ના રોજ 28 વર્ષની વયે વિનુ ભગતને બીજા 51 યુવાઓ સાથે ગઢડામાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. તેમને સ્વામી કેશવજીવનદાસ નામ અપાયું. આ 51 યુવાને મુંબઈના દાદરના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનું અધ્યયન કરવા માટે મોકલાયા ત્યારે ગ્રૂપના વડા બનાવાયા હતા. ત્યારથી સંપ્રદાયમાં તેમને મહંતસ્વામી તરીકે સૌ સંબોધવા લાગ્યા. 

યોગીજ મહારાજ પછી પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના વડા બન્યા પછી મહંત સ્વામીએ સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસારનું ભગીરથ કાર્ય ઉપાડ્યું. આજે સમગ્ર વિશ્વમાં BAPSનાં 751 મંદિરો છે અને તે પૈકી મોટા ભાગનાં મંદિરોમાં તેમણે 55 વર્ષ સુધી સેવા કરી છે. અક્ષરધામ સહિતનાં ભવ્ય મંદિરો તેમની પ્રેરણાથી બન્યાં છે.  

મહંત સ્વામીએ ભગવાન સ્વામીનારાયણની શિક્ષાપત્રીનાં મૂલ્યોનું જતન તો કરાવ્યું જ છે પણ દીન-દુ:ખિયાંની સેવાનો ભેખ લઈ આજે કર્મના સિધ્ધાંતને પણ સાર્થક કર્યો છે. કર્મ અને ધર્મના સમન્વયમાં માનતા મહંત સ્વામી નોલેજ, ડિવોશન, ડીટેચમેન્ટ અને રાઈટસનેસ એ ચાર સિધ્ધાંતને અનુસરે છે. 

વેદો અને ઉપનિષદો સહિતના ભારતીય ગ્રથોનું ઉંડું જ્ઞાન ધરાવતા મહંત સ્વામી ગુજરાતમાં સંત પરંપરામાં શિરમોર છે. 

Top