આનંદીબેન પટેલઃ મક્કમતા અને મનોબળના જોરે ઈતિહાસ રચ્યો

આનંદીબેન પટેલઃ મક્કમતા અને મનોબળના જોરે ઈતિહાસ રચ્યો

ગુજરાતના ઈતિહાસમાં બહુ ઓછી મહિલાઓ પોતાની છાપ છોડી શકી છે ને મુખ્યમંત્રીપદે તો એક જ મહિલા પહોંચ શક્યાં. આ મહિલા છે, આનંદીબેન મફતલાલ પટેલ. ઉત્તર ગુજરાતના એક સાવ નાનકડા ગામમાં જન્મેલા આનંદીબેન પટેલે પોતાની તાકાત અને આત્મબળે એવી સિધ્ધી હાંસલ કરી જે ગુજરાતની બીજી કોઈ મહિલા નહોતી મેળવી શકી. 

ગુજરાતના રાજકારણમાં પણ પુરૂષોની જ બોલબાલા છે ને બે દાયકા પહેલાં કોઈ એવી કલ્પના પણ નહોતું કરી શકતું કે ગુજરાતમાં કોઈ મહિલા મુખ્યમંત્રી બની શકે. આનંદીબેને એ અકલ્પનિય વાતને વાસ્તવિકતામાં ફેરવી બતાવી ને તેમાં તેમની લડાયકતા સૌથી વધારે કામ કરી ગઈ. 

આનંદીબેન પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે 21 નવેમ્બર, 1941ના રોજ થયેલો. તેમના પિતા જેઠાભાઈ ખેડૂત હતા. ખરોડ નાનું ગામ હતું ને ભણવાની સગવડ નહોતી. આનંદીબેને ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કન્યા શાળામાં કરેલો. એ પછી મોટા ભાગની છોકરીઓ ભણવાનું છોડી દેતી પણ આનંદીબેનના પિતાએ તેમને કુમાર શાળામાં ભણવા મૂકેલાં.  આ શાળામાં 700 વિદ્યાર્થીઓ વચ્ચે આનંદીબેન એક માત્ર વિદ્યાર્થીની હતાં. 

પિતાએ જે હિંમત બતાવી તેનો વારસો આનંદીબેને પછી જાળવ્યો ને હંમેશાં સામા વહેણે તરીકે પોતાની નોધ લેવડાવી. આનંદીબેન ધોરણ 8થી વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ભણ્યાં. આનંદીબેન ખડતલ હતાં ને  ઍથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા બદલ મહેસાણામાં તેમને "વીર બાળા" પુરસ્કાર મળેલો.  

આનંદીબેન 1960માં વિસનગરની એમ.જી.પંચાલ વિજ્ઞાન મહાવિદ્યાલયમાં બી.એસસી. કરવા ગયાં ત્યારે પણ એકલાં છોકરી હતાં. બી.એસ.સી. કર્યા પછી તેમણે પહેલી નોકરી મહિલાઓની પ્રગતિ માટે કાર્યરત મહિલા વિકાસ ગૃહમાં લીધી. આનંદીબેન પચાસ કરતાં વધુ વિધવાઓને રોજગારલક્ષી અભ્યાસ કરાવતાં ને સ્વાવલંબી બનીને પગભર થવાના પાઠ ભણાવતાં હતા.

આનંદીબેનનાં લગ્ન 1962માં મફતલાલ સાથે થયાં પછી તે ચાર વર્ષ મહેસાણા રહ્યાં ને 1965માં અમદાવાદ આવ્યાં. મફતલાલે તેમને એમ.એસસી.માં એડમિશન લેવડાવ્યું. એ વખતે અમદાવાદના તેમના  ઘરે કુટુંબનાં દસથી વધુ લોકો રહેતા હતા. આનંદીબેન એ બધાંને ભણાવતાં ને તેમને સારું શિક્ષણ આપ્યું. એ પછી તેમણે બી.એડ. (શિક્ષણ સ્નાતક) કર્યું ને એમ.એડ. (શિક્ષણ અનુસ્નાતક)માં તો ગોલ્ડ મેડલ જીતેલો. 

1970માં આનંદીબેન મોહનીબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે જોડાયા. આનંદીબેન ઉચ્ચતર માધ્યમિકનાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત ભણાવતાં. એ વખતે ગણિત-વિજ્ઞાન વિષયો ભણાવવા માટે ભાગ્યે જ મહિલા શિક્ષિકાઓ હતી. આનંદીબેન એ રીતે બધાંથી અલગ તરી આવતાં હતાં. પછીથી આનંદીબેન આ સ્કૂલનાં પ્રિન્સિપાલ બનેલાં. દેશના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિનો એવોર્ડ અને નર્મદા નદીમાં તણાતી વિદ્યાર્થિનીઓને
બચાવવા માટે રાષ્ટ્રપતિનો શૌર્ય પુરસ્કાર તેમને મળેલા. 

આનંદીબેન 1987માં શંકરસિંહ વાઘેલાના કારણે ભાજપમાં આવ્યાં. એ વખતે ગુજરાતમાં દુકાળ હતો. ખેડૂત પુત્રી તરીકે દુષ્કાળગ્રસ્ત રાજ્યના ખેડૂતોની વેદના સમજ્યાં અને તેમના માટે કંઇ કરી છૂટવાની તમન્નાથી ગુજરાતમાં ભાજપના મહિલા મોરચાને જન્મ આપ્યો.  તેમની કામગીરીથી પ્રભાવિત થઈને તેમને ભાજપે  રાજ્યસભામાં મોકલ્યાં ને માંડલ બેઠકથી રાજ્ય વિધાનસભામાં આવ્યાં. આનંદીબેને એ પછી શિક્ષણ મંત્રી, શહેરી વિકાસ મંત્રી અને મહેસૂલ મંત્રી તરીકે કામગીરી કરી ને છેવટે મુખ્યમંત્રી બન્યાં. 

શિક્ષણ મંત્રી તરીકે આનંદીબેને ગુજરાતમાં નવી મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો ખોલીને શિક્ષણનો વ્યાપ વધાર્યો તો મહેસૂલ મંત્રી તરીકે આનંદીબેને આ વિભાગને અધિકારીઓની પકડમાંથી મુક્ત કરાવ્યો. મુખ્યમંત્રી તરીકે આનંદીબેને સાદગી, ઝડપી નિર્ણયક્ષમતા, વહીવટીતંત્ર પર પક્કડ અને દેશવિદેશના મહાનુભવો સાથેના સંપર્કો દ્વારા રાજ્યને નવી ગતિશીલતા આપી. પાટીદાર અનામત આંદોલન વખતે તેમણે દાખવેલી મક્કમતાને આજેય ભાજપના નેતાઓ વખાણે છે. 

આનંદીબેન અત્યારે મધ્યપ્રદેશનાં રાજ્યપાલ છે ને આ સિધ્ધી મેળવનારાં ગુજરાતનાં કુમુદબેન જોશી પછી માત્ર બીજાં મહિલા છે. મક્કમતા અને મનોબળનાં પ્રતિક આનંદીબેનની સફર હજુ ચાલુ જ છે. 

Top