નરેન્દ્ર મોદીઃ એકવીસમી સદીના સફળતમ રાજપુરૂષ

નરેન્દ્ર મોદીઃ એકવીસમી સદીના સફળતમ રાજપુરૂષ

ગુજરાતે દેશને અનેક સફળ નેતા આપ્યા. આ પૈકી કેટલાક રાજકારણી હતા તો કેટલાક રાજપુરૂષ હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી ગુજરાતે દેશને આપેલા સફળ નેતાઓમાં એક છે અને તેમનો ઉલ્લેખ રાજકારણી તરીકે નહીં પણ રાજપુરૂષ તરીકે કરવો પડે.   

ગુજરાતને વિકાસની નવી ઉંચાઈએ પહોંચાડનારા નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા અપાવી હતી. ભારતના ઈતિહાસમાં કોઈ બિન કોંગ્રેસી વડાપ્રધાને સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવી હોય એવી આ એકમાત્ર ઘટના છે. સફળ વક્તા, પ્રખર રાષ્ટ્રવાદી, કુશળ સંગઠનકાર, દીર્ઘદૃષ્ટિ ધરાવતા અને મક્કમ નિર્ણયો લેનારા શાસક, વિઝનરી વડાપ્રધાન તરીકે તેમણે દેશના જાહેર જીવન પર એક અમીટ છાપ છોડી છે તેમાં શંકા નથી.  

મહેસાણા જિલ્લાના વડનગરના સામાન્ય પરિવારમાં 17 સપ્ટેમ્બર, 1950ના રોજ જન્મેલા મોદી બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. મોદીએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો અને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું. મોદીએ બાળપણમાં ભારે સંઘર્ષ કર્યો હતો અને આજીવિકા માટે રેલ્વે સ્ટેશન પર ચા સુધ્ધાં વેચી હતી. 

ઈંદિરા ગાંધીએ 1975માં કટોકટી લાદી ત્યારે તેની સામે લડનારા લડવૈયાઓમાં મોદી એક હતા. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના આજીવન પ્રચારક તરીકે કામ કરતાં કરતાં મોદી ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલીટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા.

મોદી 1980ના દાયકામાં ભાજપમાં જોડાયા અને સંગઠન મહામંત્રી તરીકે ભાજપનો પાયો મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું. લાલકૃષ્ણ અડવાણીએ 1989માં સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢી ત્યારે તેના સંયોજક તરીકેની ભૂમિકા ભજવનારા મોદીએ 1995 પછી ભાજપમાં થયેલા બળવાના કારણે થોડો સમય ગુજરાત બહાર રહેવું પડેલું પણ 2001માં તે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાછા ફર્યા. 

મોદી 7 ઓક્ટોબર, 2001ના રોજ મુખ્યમંત્રી બન્યા પછી ગોધરા કાંડ થયો હતો. ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નિકળ્યાં હતાં. તેના કારણે મોદી પર ઘણા રાજકીય છવાયાં પણ મોદીએ ડગ્યા વિના પરિસ્થિતીનો સામનો કર્યો. ગુજરાતમાં ભાજપને 2002ની ચૂંટણીમાં ફરી જીત અપાવીને તેમણે વિકાસનો નારો બુલંદ કર્યો. 

મોદીએ મુખ્યમંત્રી તરીકે વાયબ્રન્ટ ગુજરાત, કૃષિ મહોત્સવ સહિતના કાર્યક્રમો શરૂ કરાવીને ગુજરાતને વિકાસની નવી ઉંચાઈએ પહોંચાડ્યું. ભ્રષ્ટાચારને નાથીને સરકારી ભરતીમાં તથા ટેન્ડરોમાં પારદર્શકતા જેવા નિર્ભિક નિર્ણયો તેમણે લીધા. આ કારણે જ મોદીના નેતૃત્વમાં ભાજપ 2007, 2012માં પણ સરળતાથી જીત્યો. 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ મોદી ગુજરાતના સતત ચોથી વાર શાસન સંભાળનારા મોદી એક માત્ર મુખ્યમંત્રી છે.
 
મોદીને 2013માં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાયા પછી તેમણે એકલા હાથે પ્રચારની કમાન સંભાળી. એક વર્ષ સુધી ઝંઝાવાતી પ્રચાર કરીને મોદીએ ભાજપને બહુમતીથી જીતાડ્યો. ભારતમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય એવું 30 વર્ષ પછી બન્યું. વડાપ્રધાન તરીકે મોદીએ ભારતના અર્થતંત્રને નવી દિશા આપી છે. 

ડિજિટલ ઈન્ડિયા અને મેઈક ઈન ઈન્ડિયા દ્વારા તેમણે દેશમાં ટેકનોલોજી અને ઉદ્યોગોને વિકાસની નવી દિશા બતાવી. ડીમોનેટાઈઝેશન અને જીએસટી જેવાં બે ક્રાન્તિકારી પગલાં ભરીને દેશના અર્થતંત્રમાં નવા યુગની શરૂઆત કરી. 

મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતને નવી ઓળખ આપી. પાકિસ્તાન અને ચીન જેવા ભારતને પરેશાન કરતા દેશો સામે આક્રમક વલણ બતાવીને મોદીએ સરહદ પારથી ફેલાવાતા આતંકવાદ પર મહદ્ અંશે અંકુશ મેળવ્યો છે. 

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે ભારતીય લશ્કરે કરેલી સર્જીકલ સ્ટ્રાઈક્સ મોદીની મક્કમ નિર્ણયશક્તિ અને રાષ્ટ્રભક્તિના પુરાવા છે. મુસ્લિમ મહિલાઓ માટે અન્યાયરૂપ ટ્રિપલ તલાકની નાબૂદી અને છેલ્લે સવર્ણોમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈબીસી)નાં લોકો માટે અનામતની જોગવાઈ કરીને સામાજિક ક્ષેત્રે પણ મોદીએ ક્રાન્તિકારી કદમ ભર્યાં છે. 

Top