મનસુખ માંડવિયાઃ પ્રધાન બનવા છતાં સાદગીથી જીવતા નેતા

મનસુખ માંડવિયાઃ પ્રધાન બનવા છતાં સાદગીથી જીવતા નેતા

મોટા ભાગના રાજકારણીઓ સાદગીપૂર્ણ રીતે જીવવાની વાતો કરતા હોય છે પણ તેને અમલમાં મૂકતા નથી. ગુજરાતમાં ભાજપના એક નેતા એવા છે કે જે સાદગીની વાતો નથી કરતા પણ તેને અમલમાં મૂકીને લોકો સામે એક ઉદાહરણ પૂરું પાડે છે. 

આ નેતા આજેય ખાદીનાં સાદાં કપડાં પહેરે છે ને બને ત્યાં સુધી સાયકલ પર મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ નેતાનું નામ છે મનસુખ માંડવિયા અને કેન્દ્રમાં પ્રધાન બન્યા હોવાં છતાં તેમની સાદગીમાં કોઈ ફરક પડ્યો નથી. બલ્કે પ્રધાનપદે શપથ લેવા માટે પણ માંડવિયા સાયકલ પર જ ગયા હતા. આ સાદગી માંડવિયાના લોહીમાં છે. 

સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાનકડા ગામ હાનોલમાં જન્મેલા માંડવિયાના પિતા ખેડૂત હતા. તેમને ચાર દીકરા હતા ને તેમાંથી મનસુખભાઈ સૌથી નાના છે. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા મનસુખભાઈના પિતા લક્ષ્મણભાઈએ પોતાના દીકરાઓને બાળપણતી સંસ્કાર અને સાદગીના પાઠ ભણાવ્યા. 

માંડવિયા નાની ઉંમરથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જતા તેથી આ પાઠ વધારે મજબૂત થયા. માંડવિયાએ પ્રાથમિક શિક્ષણ ગામડાની સરકારી પ્રાથમિક શાળામાં જ લીધું ને પછી સોનગઢ ગુરુકુળમાં ભણવા ગયા. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી દાંતીવાડા એગ્રીકલ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને વેટરનરી ડોક્ટર બન્યા.

માંડવિયા વિદ્યાર્થી કાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથે સંકળાયેલા હતા તેથી ભાજપના નેતાઓના પરિચયમાં હતા. એ વખતે જ તેમણે પોતાની સંગઠન શક્તિનો પરચો આપી દીધેલો. તેનાથી પ્રબાવિત થઈને તેમને ભાજપમાં પાલિતાણા યુવા મોરચાના પ્રમુખ બનાવાયા ને પછી પાલિતાણા ભાજપના પ્રમુખ બનાવાયા. 

2002ની વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ તેમને પાલિતાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા. એ વખતે તેમની વય માત્ર 28 વર્ષ હતી. માંડવિયાએ એટલી નાની વયે જીત મેળવીને સૌને છક્ક કરી દીધા હતા.

ધારાસભ્ય તરીકે તેમણે વિકાસના કામો તો કર્યાં જ પણ સામાજિક ક્ષેત્રે લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ પ્રસંશનિય કામગીરી કરી. 2005મા તેમણે પાલિતાણાનાં પછાત ગણાતાં 45 ગામોની 125 કિલોમીટર લાંબી પદયાત્રા કરી હતી. 

આ ગામોમાં ઘરે ઘરે જઈને એ લોકોને દીકરીઓની ભ્રુણહત્યા રોકવા, પોતાની દીકરીઓને ભણાવવા, વ્યસનો છોડવા અને બીજાં સામાજિક સુધારણાનાં કામો કરવા સમજાવતા. તેમના અભિયાનથી પ્રભાવિત થઈને મોદી સરકારે આ અભિયાનને ગુજરાત સરકારનાં મુખ્ય અભિયાનોમાં સમાવ્યું. 

માંડવિયાએ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ 2007માં ફરી 54 ગામોની 125 કિલોમીટર લાંબી પદયાત્રા કરી હતી. એ વખતે પણ વ્યસનમુક્તિ તથા અન્ય સામાજિક સુધારણાના મુદ્દા તેમણે આવરી જ લીધા હતા.

2007ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે સામેથી ફરી લડવાની અનિચ્છા વ્યક્ત કરીને સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ વખતે તેમણે ભાજપને ફરી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એ પછી તેમણે સતત સંગઠનમાં કામ કર્યું. તેમણે પક્ષ માટે કરેલી કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને રાજ્યસભામાં મોકલરાયા. માંડવિયાની અત્યારે રાજ્યસભામાં બીજી ટર્મ છે.

માંડવિયાએ રાજ્યસભાના સભ્ય તરીકે સતત ગુજરાતના પ્રશ્નો ઉઠાવ્યા છે. દેશના યુવાનો સંશોધન કરે પછી તેની પેટન્ટ નોંધાવવામાં પડતી તકલીફોનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. તેના કારણે ગુજરાત સરકારે પેટન્ટ માટે સહાય આપવાની શરૂઆત કરી.

માંડવિયાએ કેન્દ્રીય પ્રધાન તરીકે પણ પ્રસંશનિય કામગીરી કરી છે ને લોકો સાથે સંપર્ક રાખતા પ્રધાન તરીકેની પ્રતિષ્ઠા મેળવી છે.

Top