શંકરસિંહ વાઘેલાઃ ગુજરાતમાં ભાજપનો પાયો આ ‘બાપુ’એ નાંખેલો

શંકરસિંહ વાઘેલાઃ ગુજરાતમાં ભાજપનો પાયો આ ‘બાપુ’એ નાંખેલો

ગુજરાતના રાજકારણમાં અનોખું વ્યક્તિત્વ અને દાયકાઓ લગી જોરદાર પ્રભાવ ધરાવતા નેતાઓની વાત નિકળે ત્યારે શંકરસિંહ વાઘેલાનો ઉલ્લેખ કરવો જ પડે. ગુજરાતના મુખ્યમંત્રી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાન જેવા ઉચ્ચ હોદ્દા ભોગવનારા શંકરસિંહ જમીન સાથે જોડાયેલા નેતા છે અને આજે પણ તેમનો સામાન્ય લોકો સાથેનો સંપર્ક અત્યંત જીવંત છે. 

આખાબોલા, સ્પષ્ટવક્તા શંકરસિંહની છાપ અન્યાય સહન કરવાના બદલે તડ ને ફડ કરી નાંખનારા નેતા તરીકેની છે. તેના કારણે રાજકીય રીતે તેમને નુકસાન થયું છે પણ લોકોની અપાર ચાહના પણ મળી છે. ‘બાપુ’ના હુલામણા નામે ઓળખાતા શંકરસિંહનો રાજકીય પ્રભાવ આજેય યથાવત છે. શંકરસિંહ પ્રખર વક્તા તરીકે પણ જાણીતા છે.

શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઈ 1940ના રોજ ગાંધીનગર પાસેના વાસણ ગામમાં રાજપૂત પરિવારમાં થયો તેમનાં માતાનું નામ નાથુબા અને પિતાનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા હતું. તેમના માતા-પિતાને કુલ છ સંતાન હતાં. 

શંકરસિંહનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી સ્કૂલમાં થયું અને પછી ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયા. શંકરસિંહ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા છે પણ બહુ નાની વયે જ તેમણે સમાજસેવાને અપનાવી લીધેલી. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સક્રિય સભ્ય હતા. 


ગુજરાતમાં સંઘનો ફેલાવો કરવામાં તેમનું બહુ મોટું યોગદાન છે. તેમનો પ્રભાવ જોયા  પછી તેમને સંઘની રાજકીય પાંખ જનસંઘમાં મોકલાયા હતા. એ વખતે જનસંઘમાં જોડાવા કોઈ તૈયાર નહોતું. વાઘેલા પોતાના બુલેટ પર ફરીને ગામેગામ જનસંધઘનો પ્રચાર કરતા ને લોકોને જોડતા. ઉત્તર ગુજરાત આજે ભાજપનો ગઢ છે ને તેનાં મૂળિયાં શંકરસિંહ નાંખેલાં. કોંગ્રેસની પરંપરાગત મતબેંક મનાતા ક્ષત્રિયોને તેમણે જનસંઘ અને પછી ભાજપ તરફ વાળેલા. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એ વખતે શંકરસિંહ સાથે કામ કરતા હતા. સંઘમાંથી તેમને જનસંઘમાં મોકલાયા પછી તેમણે ગુજરાતમાં જનસંઘને મજબૂત બનાવ્યો. 

શંકરસિંહ વાઘેલાએ 1977માં માત્ર 37 વર્ષની વયે કપડવંજ લોકસભા બેઠક પરથી જીતીને રાજકીય કારકિર્દીના શ્રીગણેશ કર્યા. એ પછી તે ગાંધીનગર, ગોધરા અને કપડવંજ બેઠકો પરથી પણ ચૂંટાયા. વાઘેલા કુલ 5 વાર લોકસભામાં ચૂંટાયા છે. 1984માં કોંગ્રેસની બહુમતી હોવા છતાં રાજ્યસમાં સૌથી વધારે મતે જીતીને તેમણે પોતાની રાજકીય કુનેહનો પરચો આપેલો. 1980થી 1991 સુધી શંકરસિંહ ભાજપના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા.

ભાજપે 1995માં 121 બેઠક જીતીને સત્તા મેળવી ત્યારે તેઓ મુખ્યમંત્રીપદની દાવેદારીમાં સૌથી આગળ હતા પણ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવાતાં તેમણે છ મહિના પછી બળો કરાવ્યો હતો. પોતાના સમર્થક ધારાસભ્યોને લઈને ખજૂરાહો ગયા હતા તેથી તેમની સાથે જોડાયેલા બધા ખજૂરીયા કહેવાયા. શંકરસિંહે એ વખતે સમાધાન કર્યું અને સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા. જો કે 1996ની લોકસભા ચૂંટણીમાં ભાજપના જ નેતાઓએ તેમને હરાવતાં વાઘેલા 20 ઓગસ્ટ 1996ના રોજ  ભાજપથી અલગ થયા. એ પછી તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરીને મુખ્યમંત્રી બન્યા.  

પછીથી તેમણે પોતાના પક્ષને કોંગ્રેસમાં ભેળવી દીધો હતો. કોંગ્રેસની ટિકીટ પર તે 2004માં કપડવંજ લોકસભા બેઠક પરથી જીત્યા અને કેન્દ્રિય કાપડ મંત્રી બન્યા હતા. પછીથી તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા હતા. શંકરસિંહ વાઘેલાની ભારત પ્રવાસન વિકાસ નિગમ (ITDC) ના ચેરમેન તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી.

શંકરસિંહે 2017ની રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસથી છેડો ફાડ્યો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે જન વિકલ્પ મોરચાની  રચના કરી હતી પણ તેમને સફળતા ના મળી. છેવટે જાન્યુઆરી, 209માં તે એનસીપીમાં જોડાઈ ગયા. હાલમાં તે એનસીપીના નેતા તરીકે સક્રિય છે. 
 

Top