મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે પ્રજાને પડી રહેલ પારાવાર મુશ્કેલીઓ અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવનાર ”જન જાગરણ અભિયાન” અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રજાવિરોધી, ભ્રષ્ટ અને અણઘડ ભાજપ શાસનમાં ગુજરાતનો સામાન્ય-મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. ગુજરાતના લાખો યુવાનો બેરોજગાર છે. ‘બહુત હુઈ મહેંગાઈ કી માર’ જેવા રૂપકડા ભ્રામક સૂત્રો આપીને ભાજપ સરકારે સત્તા મેળવી છે. પરંતુ આજે પેટ્રોલ-ડીઝલનાં ભાવ 100ને આંબી ગયા છે, સી.એન.જી., પી.એન.જી.ના અધધ ભાવ વધારાને કારણે ગુજરાતની મહિલા – ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 8050 લોકોએ આત્મહત્યા કરી છે, કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 14મી નવેમ્બર, 2021ના રોજથી 29 નવેમ્બર સુધી ”જન જાગરણ અભિયાન” અંતર્ગત રાજ્યનાં 33 જીલ્લા અને 8 મહાનગરો ઘરેમાં ઘરે જઈ પત્રિકાઓ-સંવાદના માધ્યમથી પ્રજાકીય પ્રશ્નોની જાગૃતિની સાથે સાથે સરકારના નિષ્ફળ શાસનને ઉજાગર કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, “જન જાગરણ અભિયાન”માં રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રઘુ શર્મા સહિત પ્રદેશના તમામ વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો અને ફ્રન્ટલના વડાઓ સ્થાનિક પ્રજાજનો – યુવાનો, મહિલાઓને સાથે રાખીને મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટને ઉજાગર કરવા ભાજપના સાંસદ સભ્યો, ધારાસભ્યો, મંત્રી મંડળના સભ્યોના ઘરે જઈ લોકોની માંગણી-લાગણીને રજુ કરવામાં આવશે. ગુજરાતના 52000 કરતા વધુ બુથ ઉપર સંપર્ક કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગેસ, ખાદ્ય અને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના સતત ભાવ વધારાથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને જીવન જીવવાનુ મુશ્કેલ બની ગયું છે. મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. ”અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર” જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશના જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (G), ડીઝલ (D), પેટ્રોલ (P) સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન છે. પેટ્રોલ પર 250 ટકા અને ડીઝલ ઉપર 824 ટકા એક્સાઈઝ ડ્યુટીની ઉઘાડી લુંટ અને ઉદ્યોગપતિઓનો કોર્પોરેટ વેરો 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી આપ્યો જેથી સરકારની મહેસુલ આવકમાં 1.41 લાખ કરોડનો ઘટાડો થયો. એક તરફ પોતાના મળતિયા – ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની રાહત અને બીજી બાજુ દેશની સામાન્ય – મધ્યમવર્ગના ખિસ્સામાંથી ૨૫ લાખ કરોડની ”સિસ્ટમ લૂટ” આ છે ભાજપાની કરણી, કથની અને સુશાસનની વ્યાખ્યા.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પેટ્રોલ – ડીઝલના અંતરરાષ્ટ્રીય ભાવ તળીયે હોવા છતાં ભારતમાં પેટ્રોલ – ડીઝલના ભાવ વધારાના પગલે ટ્રાન્સપોર્ટ, ખાદ્ય પદાર્થો અને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના અસહ્ય ભાવ વધારાથી સામાન્ય પ્રજા બેહાલ બની છે. ભારતમાં 20 કરોડ લોકોને પુરતુ અન્ન મળતું નથી. બેરોજગારી દર 45 વર્ષમાં સૌથી ઉંચો છે. કુપોષણમાં સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમાંક ઉપર છે. ગુજરાતમાં 3.24 લાખ બાળકો કુપોષિત છે. ગુજરાત અને દેશનું આર્થિક ચિત્ર ચિંતાજનક છે. આ તમામ મુદ્દાઓ પ્રજા સમક્ષ લઈ જવા માટે જન જાગરણ અભિયાન દ્વારા કોંગ્રેસ પક્ષ લોકસંપર્ક કરશે.