જામનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. તો સુરત, અમદાવાદ, વડોદરા, જામનગર જેવા મહાનગરોમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જામનગરમાં સતત વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે જામનગર બાર એસોસિએશન લેબર લોઝ પ્રેક્ટિસનર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક અસરથી 21મી એપ્રિલ સુધી અગત્યના કેસોની સુનાવણી સિવાયની તમામ કામગીરી સ્થગિત રાખવાનો ઠરાવ કર્યો છે તો લેબર પ્રેક્ટિસનર્સ એસોસિએશન દ્વારા 21 તારીખ સુધી અર્જન્ટ સિવાયની અન્ય કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાર જામનગર વકીલ મંડળના 11થી વધુ વકીલો કોરોનાગ્રસ્ત થયાં બાદ લેવામાં આવ્યો છે.
જામનગર વકીલ મંડળના 11 વકીલોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ 11 વકીલો પૈકી 9 વકીલોને જી.જી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયાં છે. જ્યારે 2 હોમ આઇસોલેશનમાં છે, ત્યારે સતત વધતા જતાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી જામનગર બાર એસોસિએશન લેબર લોઝ પ્રેક્ટિસનર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે.
મનપા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જામનગરમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 15 દર્દીના મૃત્યુ નીપજ્યાં છે તો 151 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં શહેરમાં 86 અને જિલ્લામાં 65 લોકો સંક્રમિત થતાં હાહાકાર મચી ગયો છે. જોકે, 89 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે.