રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેના ફોરવર્ડ વિસ્તારમાં ગુરુવારે શંકાસ્પદ ગોળીબારમાં સેનાના બે જવાન શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના હંજન વાલી વિસ્તારમાં બની છે. શહીદ જવાનોને ગોળી વાગી છે. શહીદ થયેલા જવાનોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. બંને જવાન ફોરવર્ડ પોઝીશન પર તૈનાત હતા.
ડિસેમ્બર 2021માં મેજર અને કોન્સ્ટેબલે કરી હતી આત્મહત્યા
ડિસેમ્બર 2021માં કુપવાડા સૈન્ય કેમ્પની અંદર કોન્સ્ટેબલે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેમની ઓળખ શિંદે સંદીપ અર્જુન તરીકે થઈ હતી. તેઓ દ્રાંગ્યારી ચોકીમાં તૈનાત હતા. આ ઘટના સવારે 4:30 વાગ્યે બની હતી. શિંદે સંદિપ અર્જુને પોતાની સર્વિસ રાઈફલથી પોતાને ગોળી મારી દીધી હતી. અન્ય જવાનો દ્વારા તેમને શ્રીનગરની મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓએ દમ તોડી દીધો હતો.
એ જ મહિને રામબનમાં કંપની કમાન્ડરની જવાબદારી સંભાળનાર મેજરે સર્વિસ રાઈફલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. 23 રાષ્ટ્રીય રાઈફલ્સની આલ્ફા કંપનીની મહુબલ પોસ્ટ પર તૈનાત મેજરની ઓળખ પરવિંદર સિંહ તરીકે થઈ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મેજર પરવિંદર સિંહની આત્મહત્યાની જાણ રાત્રે 10.30 વાગ્યે થઈ હતી. મેજર પરવિંદર સિંહને તાજેતરમાં જ 23 આરઆરમાં કંપની કમાન્ડર બનાવવામાં આવ્યા હતા. રાત્રે પોતાના ક્વાર્ટરમાં તેમણે આત્મહત્યા કરી હતી.