જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બિજબેહરાના શિતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી પણ મળી આવી છે. આતંકવાદીઓની હાજરીની આશંકાથી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. આઈજીપી કાશ્મીરના જણાવ્યા અનુસાર બંને આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક ચકવાનગુંડનો રહેવાસી ઈશફાક હતો. બીજી તરફ યાવર અયુબ ડાર ડોગરીપોરાનો રહેવાસી હતો. તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો અને ઘણી આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો.
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા. કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, ગુરુવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં થયેલા એક અથડામણમાં પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.