ડીસા તાલુકાના રોબ્સ ગામે એક ઇસમ વરલી મટકાના આંક ફરકનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ડીસા તાલુકા પોલીસે તેની પાસેથી રોકડ અને મોબાઈલ ઝડપી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી વધુ પ્રમાણમાં ફૂલી ફાલી છે અને તેમાંય પણ આંકડાનો જુગાર તો મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે અને આ બદીને ડામવા જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે પોલીસ પણ આ બાબતે સઘન તપાસ કરી રહી છે.
ત્યારે ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળેલ કે રોબ્સ ગામે જાહેરમાં કોઈ ઇસમ આંક ફરકનો જુગાર રમાડી રહ્યો છે. જેથી તાલુકા પોલીસે રવિવારે રોબ્સ ગામે તપાસ હાથ ધરી હતી અને તે દરમિયાન રોબ્સ ગામે આવેલ બેંક ઓફ બરોડાની નજીક એક ઇસમ હાથમાં ડાયરી લઈ કંઈક લખતો હતો.
જોકે, પોલીસને જોઈ આ ઇસમ ભાગવા જતા પોલીસ તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ૩૪૫૦ રોકડ મોબાઈલ અને સાહિત્ય કબજે કરેલ અને પંચોની રૂબરૂ તેનું નામ પૂછતાં તેણે તેનું નામ નિકુલસિંહ જીવણસિંહ વાઘેલા જણાવ્યું હતું. હાલ પોલીસે તેની વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટઃ અનિલ રાણા, ડીસા