ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની જોડીએ સમગ્ર સમાજનું ધ્યાન ખેંચ્યું હતું. હાર્દિક તો કોંગ્રેસમાં જોડાઈ ગયો પરંતુ અલ્પેશ જેલવાસના કારણે સક્રિય રાજનીતિથી દૂર રહી ગયો. જોકે હવે અલ્પેશ આવે છે તેવી વાતો વહેતી થઈ છે.
આ વચ્ચે કોંગ્રેસના નેતાઓએ સુરત ખાતે અલ્પેશ કથીરિયાની ઓફિસમાં બેઠક કરી હતી. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, ભાજપ અમારી માગ પૂરી નહીં કરે તો ભાજપના વિરોધમાં મતદાન કેવી રીતે કરાવવું અને ચૂંટણીમાં કેવી રીતે હરાવવા તેની રણનીતિ નક્કી કરીશું. હજી સુધી કોંગ્રેસમાં જોડાવા કે ભાજપને સમર્થન આપવા કોઈ નિર્ણય લીધો નથી.
આ મામલે પ્રતાપ દુધાતે જણાવ્યું કે, આંદોલનકારી રાજકરણમાં આવે એ જરૂરી છે. અલ્પેશને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. તો ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ કહ્યું કે, સરકારે વચન નથી પાળ્યું. અગાઉ પણ પાસની ટીમે સરકાર પાસે રજૂઆત કરી છે. પણ સરકાર વચન આપીને ફરી ગઈ છે. આગામી વિધાનસભામાં અમે આ મુદ્દો પણ ઉઠાવીશું.
અલ્પેશે કથીરિયાએ જણાવ્યું કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ અને ધારાસભ્યોએ અમારી સાથે બેઠક કરી અમને કોંગ્રેસ તરફ આવવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. અમારા જ સમાજના કોંગ્રેસના ધારાસભ્યો પણ ઈચ્છી રહ્યા છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ કોંગ્રેસને સમર્થન આપે.
અલ્પેશે ઉમેર્યું કે, હાલની સરકાર અમારી માગણી સ્વીકારવા માટે રસ દાખવી રહી હોય તેવું લાગતું નથી. ત્યારે બીજી પાર્ટી શાસન ઉપર આવશે તે અમારી વાત સ્વીકારશે કે કેમ તે અમને ખબર નથી પરંતુ હાલમાં જે પાર્ટી સત્તા પર છે તે જો ન સ્વીકારે તો અન્ય કોઈની પાસે અપેક્ષા રાખવી એ ખૂબ સહજ વાત છે.
અલ્પેશે કથીરિયાએ જણાવ્યું કે, અમારી માગ પૂરી નહીં થાય તો જે રીતે કોર્પોરેશનની ચૂંટણી વખતે અમે ભાજપને નુકસાન પહોંચાડ્યું એવી જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રહીને ભાજપને સત્તાથી દૂર રાખવા માટે તમામ પ્રયાસો કરીશું.