જૂનાગઢના ભેસાણમાં ઘણા સમયથી એસ.ટી બસ અનિયમિત હોવાના કારણે લોકો અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે. ત્યારે ભેંસાણ ABVP દ્વારા બસ રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, જેતપુર- જૂનાગઢ ડેપો મેનેજરે બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.
ભેંસાણ એબીવીપી દ્વારા બસની અનિયમીતતા અને નવી બસ ચાલુ કરાવવા સહિતના પ્રશ્નોને લઈ આવેદન આપી 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, 7 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો બસ રોકો આંદોલન કરાશે. પરંતુ આજ સુધી તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા કે પ્રશ્નનું નિરાકરણ ના આવતા એબીવીપીનાં જૂનાગઢ જિલ્લા સંયોજક જેનીશભાઈ ભાયાણીના નેતૃત્વમાં ભેંસાણ તાલુકા એબીવીપી દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ તેમજ ABVPના કાર્યર્તાઓ જોડાયા હતા.
તેમજ રાણપુરના સરપંચ સુરેશભાઈ સહિતના આંદોલન સ્થળે દોડી આવ્યા હતા. જો કે, જેતપુર ડેપો મેનેજર, જુનાગઢ જિલ્લા ડેપો મેનેજર દ્વારા લેખીત બાંહેધરી આપી ત્રણ દિવસમાં તમામ પ્રશ્નોનું નિવારણ કરવાની લેખીતમાં ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. જો કે, આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો એબીવીપી દ્વારા ફરી આંદોલન કરવામાં આવશે એવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
રિપોર્ટઃ મહેશ કથીરિયા, ભેસાણ