તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પાણી ક્યારેય એક્સપાયર નથી થતું, પરંતુ અન્ય પીણાની જેમ પાણીની બોટલ પર પણ એક્સપાયરી ડેટ લખેલી જોવા મળે છે. આવી સ્થિતિમાં આપણા મનમાં શંકા જન્મે છે કે જો પાણી ક્યારેય એક્સપાયર થતું નથી તો તેના પર એક્સપાયરી ડેટ શા માટે લખવામાં આવે છે. શું આ એક્સપાયરી ડેટ બોટલની હોય છે? કે પછી બોટલમાં પાણીને બંધ કરવાની પ્રક્રિયામાં કંઈક એવું હોય છે, જે પાણીને ખરાબ કરી નાખે છે? ચાલો જાણીએ સાચો જવાબ શું છે…
શું પાણી પણ થાય છે એક્સપાયર?
આ વાત સાચી છે કે પાણી ક્યારેય બગડતું નથી. બોટલનું પાણી યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. કાયદેસર રીતે કહીએ તો બોટલના પાણી પર શેલ્ફ લાઇફ લખવાની કોઈ આવશ્યકતા નથી. પરંતુ સાવચેતી તરીકે બોટલ પર મેન્યૂફેક્ચરિંગ ડેટથી બે વર્ષ સુધીની એક્સપાયરી ડેટ લખવામાં આવે છે, કારણ કે એક સમયગાળા પછી પ્લાસ્ટિક બોટલમાં બંધ પાણીમાં ઓગળવાનું શરુ કરી શકે છે.
પાણીની બોટલો પર લખવામાં આવે છે લોટ કોડ
ઇન્ટરનેશનલ બોટલ્ડ વોટર એસોસિએશન (IBWA) અનુસાર, કેટલીક કંપનીઓ પાણીની બોટલો પર તારીખ મુજબના લોટ કોડ્સ લખે છે, જેની મદદથી ડિસ્ટ્રીબ્યૂશન માટે સ્ટોક રોટેશન મેનેજ કરવું સરળ બને છે. આ લોટ કોડનો ઉપયોગ પ્રોડક્ટ રિકોલ, પાણીનું દૂષિત હોવું અને બોટલિંગની ભૂલો શોધવા માટે પણ થાય છે.
IBWAનું કહેવું છે કે, બોટલો પર તારીખ પ્રમાણે લખેલા આ લોટ કોડ, અસલમાં એક્સપાયરી ડેટ નથી હોતા, પરંતુ તે લોકોને એ નક્કી કરવામાં મદદ કરે છે કે તેઓએ પહેલા સૌથી જૂની બોટલનો ઉપયોગ કરવો જોઈએ.
આ સિવાય બીજો પ્રશ્ન એ થાય છે કે શું આપણે ડિસ્પોઝેબલ બોટલનો ઉપયોગ કરવો જોઈએ કે ફરીથી વાપરી શકાય તેવી બોટલનો? તો ધ્યાનમાં રાખો કે આપણે ફક્ત ફરીથી વાપરી શકાય તેવી બોટલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે પર્યાવરણ માટે સારી છે.
જોકે, આ એક ચિંતાનો વિષય છે કે લાંબા સમય સુધી બોટલનું પાણી સંગ્રહિત કરવાથી સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું થઈ શકે છે. આ એટલા માટે છે કારણ કે ઘણી પાણીની બોટલોમાં હજુ પણ રાસાયણિક BPA હોય છે, જેને બિસ્ફેનોલ-A (Bisphenol-A) કહેવાય છે.
સિંગલ-યુઝ પાણીની બોટલોનો ફરીથી ન કરો ઉપયોગ
આપણામાંથી ઘણા લોકો પ્લાસ્ટિકની પાણીની બોટલોને ફરીથી ભરીને ઉપયોગ કરવા લાગે છે, પરંતુ વાસ્તવમાં તેને સિંગલ-યુઝ માટે જ બનાવવામાં આવે છે. વારંવાર ઉપયોગ કરવાથી અથવા સૂર્યપ્રકાશમાં રહેવાથી આ બોટલોથી રસાયણોનો સ્ત્રાવ થઈ શકે છે, જે પાણીમાં ભળી જાય છે.