બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેમણે ફિલ્મોમાં હાસ્યની ભૂમિકા ભજવીને લોકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. તો હવે તેઓ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. હવે ઈન્દોર પોલીસે 20 લાખ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં અભિનેતાને નોટિસ ફટકારી છે. તેમણે 15 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
20 લાખની છેતરપિંડીનો આરોપ
બિલ્ડર સુરિન્દર સિંહે ફરિયાદ નોંધાવી છે કે, રાજપાલ યાદવે તેમના પુત્રને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્પોર્ટ કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે 20 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ આજ સુધી રાજપાલ યાદવે તેમના પુત્રને કોઈ કામ અપાવ્યું નથી અને ન તો કોઈ મદદ કરી છે. જ્યારે તેમને પૈસા પાછા લેવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ ગાયબ થઈ ગયા. હવે તેઓ ન તો ફોન ઉપાડી રહ્યા છે અને ન તો પૈસા પરત કરી રહ્યા છે. આ બધાથી પરેશાન થઈને બિલ્ડરે તુકોગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
15 દિવસમાં આપવો પડશે નોટિસનો જવાબ
ફરિયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલિક અસરથી આ અંગે તપાસ શરૂ કરી છે. હવે અભિનેતા વિરુદ્ધ નોટિસ જારી કરવામાં આવી છે અને તેમને 15 દિવસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કેસની તપાસ કરી રહેલા સબ ઇન્સ્પેક્ટર લલન મિશ્રાએ જણાવ્યું કે, સુરિન્દર સિંહે ગયા અઠવાડિયે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે અભિનેતાને નોટિસ પાઠવવામાં આવી છે અને તેમને 15 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
છેલ્લે આ ફિલ્મોમાં જોવા મળ્યા હતા
રાજપાલ યાદવના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ ‘ભૂલ ભુલૈયા 2’માં છોટા પંડિતના રોલમાં જોવા મળ્યા હતા, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ પહેલા તેમણે ‘ભૂલ ભુલૈયા’માં છોટા પંડિતનો રોલ પણ કર્યો હતો. આ પછી તેઓ ફિલ્મ ‘અર્ધ’માં ટ્રાન્સજેન્ડરનું પાત્ર ભજવતા જોવા મળ્યા હતા. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થઈ હતી.