ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. કોરોના કેસના આંકડા દરરોજ નવો વિક્રમ સર્જી રહ્યા છે. દેશના 11 રાજ્યમાં હાલત ખુબ જ ગંભીર સ્થિતિ છે. ત્યારે કોરોનાના વધતા આ સંક્રમણને અટકાવવા માટે સરકારે વેક્સિનેશનની ઝુંબેશને પણ વધુ સક્રીય કરી છે.
સરકારી આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં 8.70 કરોડ લોકોને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી છે. જેના કારણે વેક્સિન આપવા મામલે ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 89,63,724 સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે વેક્સિનના બન્ને ડોઝ લેનાર સ્વાસ્થ્યકર્મીઓની સંખ્યા 53,94,913 પર પહોંચી ગઈ છે.
મહામારીનો સમાનો કરનારા ફ્રન્ટલાઈન વર્ક્સની વાત કરવામાં આવે તો વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 9,73,12,826 અને બંન્ને ડોઝ લેનારની સંખ્યા 43,12,826 પર પહોંચી ગઈ છે.
એવી જ રીતે 45 વર્ષથી મોટી ઉમરના 2,18,60,709 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે બંન્ને ડોઝ આપનારની સંખ્યા 4,31,933 છે.
આજ શ્રેણીમાં 60 વર્ષથી મોટી ઉમરના 53,75,953 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 10,00,787 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ આંકડા 7 એપ્રિલ સવાર સુધીના છે.
નોંધનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં એક લાખથી પણ વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. દેશના 80 ટકાથી વધુ કેસ માત્ર 8 રાજ્યમાંથી સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને કેરળ સામેલ છે.