ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. ખરેખર, વધુ ત્રણ રાફેલ ભારત આવી ગયા છે. આ રાફેલ ગુજરાતના જામનગરના એરબેઝ લેન્ડ થયા છે. અત્યાર સુધીમાં ભારત પાસે 26 રાફેલ વિમાન હતા. વધુ 3 વિમાન આવવાથી હવે ભારત પાસે કુલ 29 રાફેલ વિમાન થઈ ગયા છે.
ચીનની સાથે ચાલી રહેલ સૈન્ય ગતિરોધની વચ્ચે ભારતીય વાયુસેનાને વધુ મજબૂતી મળી છે. ત્રણ વધુ રાફેલ લડાકુ વિમાનોએ ફ્રાન્સથી ક્યાંય રોકાયા વગર બુધવારે ગુજરાતના જામનગરમાં લેન્ડ કર્યું છે. ત્રણ નવા ફાઈટર જેટ રાફેલની સંખ્યા 29 થઇ છે.
આ મહિનાની શરૂઆતમાં એરચીફ માર્શલ વીઆર ચૌધરીના વાયુસેનાના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ ફ્રાન્સથી રાફેલ આવવાની આ પહેલી ખેપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતમાં 29 રાફેલના સામેલ થયા પછી ઉત્તર અને પૂર્વીય સરહદો પર મોટી સંખ્યામાં લડાકુ વિમાનોને તૈનાત કરવામાં આવશે. રાફેલને એક સક્ષમ વિમાન માનવામાં આવે છે.
ભારતીય વાયુસેનાએ આ વર્ષે 28 જુલાઇએ ઇસ્ટર્ન એર કમાન્ડ (ઇએસી)માં એરફોર્સ સ્ટેશન હાસિમારામાં ઔપચારિક રીતે રાફેલ વિમાનને નંબર 101 સ્ક્વોડ્રનમાં સામેલ કર્યું હતું. 101 સ્ક્વોડ્રન વાયુસેનાની બીજી સ્ક્વોડ્રન છે, જેમાં રાફેલની તૈનાતી કરવામાં આવી છે.
2016માં થયો હતો સોદો
સપ્ટેમ્બર 2016માં ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલનો સોદો થયો હતો. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે વિવાદ થયો ત્યારબાદથી ભારતમાં ઝડપથી રાફેલ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. દેશની સરહદ પર વાયુસેનાને મજબૂત કરવા માટે આ રાફેલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.